Site icon Gujarat Today

હરિયાણા વકફ બોર્ડે અતિક્રમણ કરાયેલા ૧૯ સ્થળોની યાદી સુપરત કરી

(એજન્સી) ગુરૂગ્રામ, તા.૭
હરિયાણા વકફ બોર્ડે ગુરૂગ્રામમાં આવેલ એવી ૧૯ મિલકતો અને સ્થળોની યાદી રજૂ કરી જે સ્થળો ઉપયોગ વિનાના છે તેના ઉપર ગેરકાયદેસર દબાણો કરાયા છે અને સ્થાનિકો વિરોધ કરે છે. શહેરમાં ખુલ્લા સ્થળોએ નમાઝ પઢવાનો વિરોધ કટ્ટરપંથી સંગઠનો સતત કરી રહ્યા છે જેના પગલે વકફ બોર્ડે ૧૯ સ્થળોની યાદી રજૂ કરી છે. બોર્ડે કહ્યું કે, આ સ્થળોનો ઉપયોગ શુક્રવારની નમાઝ પઢવા માટે કરી શકાય છે. યાદી રજૂ કરતાં વકફ બોર્ડના પ્રવકતા જમાલુદ્દીને માગણી કરી કે સ્થાનિક વહીવટી વિભાગ આ સ્થળોએથી દબાણો દૂર કરાવે અને અમને પોલીસ રક્ષણ અપાવે જેથી અમે ત્યાં નમાઝ પઢી શકીએ. એમણે કહ્યું કે, અમે આ સ્થળો ઉપર મસ્જિદો બનાવવા તૈયાર છીએ અને એમાં પોતાના ખર્ચે ઈમામોની નિમણૂકો પણ કરીશું. જો સરકાર આ ૧૯ સ્થળોને ખાલી કરાવી આપે તો અમે ખુલ્લી જગ્યાએ નમાઝ કેમ પઢીએ ? જમાલુદ્દીને પોતાના પત્રમાં લખ્યું છે કે, એચયુડીએએ પાલમ વિહારમાં આવેલ ચૌયા ગામમાં બે એકર જમીન હસ્તગત કરી છે. હાઈકોર્ટે વૈકલ્પિક જમીન આપવાનો આદેશ કર્યો છે તેમ છતાંય જમીન અપાઈ નથી. યાદી મુજબ સાત મસ્જિદો જેમાં વઝીરાબાદ, દૌલતપુર, નસીરાબાદ, ધાનકોટ, નૌરગનપુર, જારસા, બાદશાહપુર અને ફારૂખનગર ગામમાં આવેલ છે અને ૬ મસ્જિદોનો ઉપયોગ નમાઝ માટે કરાતો નથી કારણ કે ત્યાંના સ્થાનિકો વિરોધ કરે છે. અમે અમારી વકફની મિલકતો ઉપર મસ્જિદો બનાવવા ઈચ્છીએ છીએ પણ બનાવી શકતા નથી. હાલમાં ગુરૂગ્રામમાં ફકત ૪-પ મસ્જિદો અને ઈદગાહો છે, જે શહેરમાં મુસ્લિમ વસ્તુ મુજબ અપૂરતા છે. એમણે કહ્યું કે શુક્રવારે ૧પ૦-ર૦૦ સ્થળે ખુલ્લી જગ્યાઓમાં નમાઝ પઢવામાં આવે છે. હરિયાણા કોંગ્રેસના ઉપાધ્યક્ષ આફતાબ અહેમદે કહ્યું કે રાજ્ય સરકારને ખુલ્લામાં નમાઝ પઢવા માટે વાંધો છે પણ વકફની મિલકતો ઉપર દબાણો કરનારાઓ સામે વાંધો નથી. સરકાર મુસ્લિમોને જાણીબુઝી હેરાન કરે છે. અમે અઠવાડિયામાં ફકત એક જ દિવસ એક કલાક માટે નમાઝ પઢીએ છીએ. બધી રાજ્ય સરકારો એના માટે પરવાનગી આપે છે. અમારી પ્રવૃત્તિને દબાણો સાથે નહીં સાંકળો.

Exit mobile version