‘આરામ હરામ હૈ’નો નારો આપ્યો છે તો ઈન હાથોં કો કુછ કામ તો દીજીયે : રૂપાણી

નહેરૂના ‘‘આરામ હરામ હૈ’’ સૂત્ર પર ટિપ્પણી કરી વિવાદ  છેડવાનો પ્રયાસ કરતા મુખ્યમંત્રી

કોંગ્રેસની સરકારોએ સાચી દિશામાં શિક્ષણ નીતિ બનાવી  જ નહીં જેથી યુવાનો પાછળ રહ્યા

 

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.૧૪

રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવી રહી હોઈ હવે મુખ્યમંત્રી સરકારી સહિતના વિવિધ મોટાભાગના કાર્યક્રમોમાં સંબોધન વખતે વિપક્ષ કોંગ્રેસ ઉપર પ્રહારો કરવાની કોઈ તક જતી કરતા નથી. આજે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરને  ખૂલ્લો મૂકતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેવા સાથે જવાહરલાલ નહેરૂના ‘‘આરામ હરામ હૈ’’ સૂત્ર ઉપર નૂકતેચીની કરી વિવાદ છોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, બેરોજગાર -બેકાર યુવાનો કહેતા, ‘‘આરામ હરામ હૈ, નારા દિયા હૈ તો અંજામ તો દીજીયે, ઈન હાથોં કો કુછ કામ તો દીજીયે’’. આ ઉપરાંત રૂપાણીએ અગાઉની કોંગ્રેસની સરકારોએ સાચી દિશામાં શિક્ષણ નીતિ જ બનાવી ના હોઈ રાજ્યના યુવાનોને પાછળ રહી ગયા. હોવાનો ટોણો પણ માર્યો હતો.  રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળની સરકારો યુવાનોને કામ ન આપી શકી અને અગાઉ શિક્ષણ નીતિના અભાવે મેકોલોની શિક્ષણ પધ્ધતિને મઠારીને વિદ્યાર્થીઓ પર શિક્ષણનો ભાર લાદી દીધો હતો. જેના પરિણામે ૧૦૦ ટકા નામાંકન, શૂન્ય ડ્રોપ આઉટ, કન્યા કેળવણી જેવી બાબતોમાં આપણે પાછળ રહ્યા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે,  આ બધાને કારણે આઝાદીના ૭ દાયકા પછી પણ વિશ્વની ટોપ-૧૦ યુનિવર્સિટીઓમાં એક પણ ભારતની યુનિવર્સિટી નથી તે કમનસીબી છે.

આ સાથે તેમણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવા યુવાધનને જ્ઞાનના દરેક ક્ષેત્રમાં સંશોધન, રિસર્વ અને સ્કીલ ડેવલપમેન્ટથી સ્વમાન ભેર કારકિર્દી ઘડતરની નવી દિશા સરકારે ખોલી આપી હોવાનું દૃઢતાપૂર્વક જણાવતા કહ્યું કે આપણે યુવાનોમાં આત્મવિશ્વાસ પેદા કરવો છે અગાઉની સરકારોની જેમ બેકારોની ફોજ  ઉભી નથી કરવી.

તેમણે હોનહાર યુવા વર્ગોને આહ્‌વાન કર્યું કે, આ ગ્રાન્ડ એજ્યુકેશન ફેરના માધ્યમથી તમારી કારકિર્દી ઘડતરની, રસ-રૂચિની પસંદગી કરો અને લગન ધ્યેયથી મહેનત કરો, સરકાર ઈનોવેટીવ આઈડીયાઝને સ્ટાર્ટઅપથી પ્રોત્સાહન સહાય આપશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧૦ લાખ યુવાનોને નોકરી સેવાના અવસરો આપવાના નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે, યુવાનોને ઉદ્યોગ ગૃહોમાં રોજગાર અવસર માટે રોજગાર મેળા યોજીને એક જ અઠવાડિયામાં ૧ લાખથી વધુ યુવાઓને નોકરીની તક આપી છે.

તેમણે ૪૦ જેટલા સ્ટાર્ટઅપ યુવાઓને તથા શોધ-સંશોધન માટે રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત યુવા છાત્રોને પ૦ લાખની સહાય રકમ અર્પણ કરી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું  કે, રાજ્ય સરકારે જ્યારે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે ચિંતન કર્યું છે ત્યારે વિદ્યાર્થી પોતાના કૌશલ્ય વિકાસમાં અગ્રેસર બને. જો દેશનું ભવિષ્ય ઘડવું હોય તો પહેલા યુવાનના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું પડે અને મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ જણાવ્યું કે, સ્વપ્ન તમારું ધ્યેય અમારાના વિચાર સાથે યોજાઈ રહેલ ગ્રાન્ડ એજ્યુકેશન ફેર દેશનો સૌ પ્રથમ કાર્યક્રમ છે કે જ્યાં વિદ્યાર્થીઓને આટલા મોટા પ્લેટફોર્મ પરથી કારકિર્દીમાં આગળ વધવા માટે માર્ગદર્શન મળવાનું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks