તળાજાના મર્ડર કેસના આરોપીઓને મળવા આવેલ ત્રણ શખ્સો હથિયારો સાથે ઝડપાયા : બે ફરાર

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા. ૬
તળાજાના ચકચારી મર્ડર કેસના આરોપીઓને જિલ્લા જેલ ભાવનગર ખાતે મળવા આવેલ ઇસમોને પિસ્ટલ-૨, જીવતા કાર્ટીશ-૬ તથા મારક હથિયારો સાથે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારને બાતમી મળેલ હતી કે, તળાજામાં થોડા દિવસ પૂર્વે ચીનુભાઇ પઠાણનું મર્ડર થયેલ હતું તેના આરોપીઓ ઇર્શાદ તથા અન્યો જિલ્લા જેલ ભાવનગર ખાતે છે. તેની મુલાકાતે તળાજા, મહુવા, ભાવનગરના પાંચ ઇસમો ઇન્ડીકા કાર તથા મોટર સાયક્લ-૨ લઇને આવેલ છે. તેઓ પાસે પિસ્ટલો, છરીઓ, લાકડીઓ, લોખંડના પાઇપ છે. જે હકિકત આધારે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર તથા સ્ટાફે તપાસ કરતા પાંચ ઇસમો પૈકી બે ઇસમો એક મો.સા. લઇને ભાગી ગયેલ જ્યારે ત્રણ ઇસમો જુબેરભાઇ હશનભાઇ હમદાની (રહે.મહુવા), મહંમદખાન અશરફખાન પઠાણ (રહે.રૂવાપરીરોડ, મુળ તળાજા) તલહાખાન અશરફખાન પઠાણ રહે. ભાવનગર) ઝડપાઈ ગયા હતા. જ્યારે જાબીર ઉર્ફે ભુરો દાઉદભાઇ બેલીમ તથા અબ્બાસ દાઉદભાઇ બેલીમ નાસી છૂટ્યા હતા.
પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી લોડેડ પિસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીશ નંગ-૬ તથા છરીઓ નંગ-૨ તથા કુંડલીવાળી લાકડી-૧ તથા લોખંડનો પાઇપ-૧ તથા ઇન્ડીકા કાર-૧ તથા સાઇન મો.સા.-૧ મળી કુલ રૂપિયા ૧,૯૯,૩૨૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તમામ આરોપીઓ સામે આર્મ્સ એકટની કલમો તથા હથિયાર બંધીના જાહેરનામા ભંગ બદલની કલમો તળે કાયદેસર કાર્યવાહી કરી છે. જેની વધુ તપાસ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી. પરમાર ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks