નવીદિલ્હી, તા. ૨૧
નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, સરકાર દેશના નાણાંકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બર તરીકે ગણવા અંગે વિચારણા કરી રહી છે. એપ્રિલ-માર્ચના બદલે જાન્યુઆરી-ડિસેમ્બર સુધી નાણાંકીય વર્ષ તરીકે ગણવાને લઇને હિલચાલ ચાલી રહી છે. સંસદના નીચલા ગૃહમાં લેખિત પ્રશ્નના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, નાણાંકીય વર્ષને ફેરફારનો મામલો વિચારણા હેઠળ છે. તેમણે એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે, આ સંદર્ભમાં વ્યાપક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બજેટ સત્ર અને બજેટ રજૂ કરવાની તારીખને ફેબ્રુઆરી ૨૦૧૮થી નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી વહેલી તકે લઇ આવવાની કોઇ યોજના છે કે કેમ તે અંગે માહિતી આપવાનો જેટલીએ ઇન્કાર કર્યો હતો. બીજી બાજુ આજે સંસદમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દેશમાં છેલ્લા નાણાંકીય વર્ષમાં ૯૦૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનનું નિર્માણ થયું છે જ્યારે હેન્ડસેટની આયાતનો આંકડો ૨૪૩૬૪ કરોડ રૂપિયાનો રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વૈશ્વિકરીતે સૌથી મોટા ટેલિકોમ માર્કેટ પૈકી એક ભારતમાં છેલ્લા થોડાક વર્ષમાં મોબાઇલ હેન્ડસેટનું ખુબ જ ઝડપથી નિર્માણ થઇ રહ્યું છે. ૨૦૧૪-૧૫ દરમિયાન મોબાઇલ હેન્ડસેટ ૧૮૯૦૦ કરોડ રૂપિયાના બન્યા હતા જે આંકડો ૨૦૧૫-૧૬માં વધીને ૫૪૦૦૦ કરોડનો થયો હતો અને વર્ષ ૨૦૧૬-૧૭માં આં આંકડો ૯૦૦૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો. આયાતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કેટલીક કંપનીઓ દ્વારા ભારતમાં ઓપરેટ રહીને નિર્માણની ગતિવિધિ વધારી દેવામાં આવી છે. આંધ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવી કંપનીઓ સક્રિય થઇ છે.