અમદાવાદ, તા.૭
રાજ્યમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવેલી ટ્યુશન ની પ્રવૃત્તિ માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે અને તેની સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરે તેવી શક્યતાઓ છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના હેમાંગ રાવલ દ્વારા આ પિટિશન કરવામાં આવી છે. કેસની વિગતો મુજબ ૨૦૦૨માં શિક્ષણ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને રાજ્યની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા ભરતી કરવામાં આવેલા શિક્ષકોને ટ્યુશન કરવા સામે પ્રતિબંધ લાવવામાં આવે લો છે. છતાં આવા શિક્ષકો દ્વારા ટ્યુશન કરવાની પ્રવૃત્તિ બેરોકટોક ચલાવવામાંઆવી રહી છે. પિટિશનમાં વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે દરેકે દરેક સ્કુલોમાં જ્યારે બોર્ડની એક્ઝામ હોય તેને ૩૦% ઇન્ટર્નલ માર્ક આપવામાં આવે છે. આ બાબતનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે અને તેઓને ટ્યુશન રાખવા માટે મજબૂર કરવામાં આવે છે. આ બાબતે રાજ્ય સરકારને છેલ્લા ચાર વર્ષથી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેના માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.પીટીશન કરનાર હેમાંગ રાવલે જણાવ્યું કે મોટી સંખ્યામાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે શિક્ષકો અને સરકારી તંત્રના કારણે વ્યવસાય બની ગયો છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ને બ્લેકમેલ કરવામાં આવે છે તેના કારણે ઘણા વિદ્યાર્થીઓની કારકિર્દી નુકસાન થઇ રહ્યું છે. અનેક ફરિયાદો કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ટ્યુશનિયા શિક્ષકો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી આથી નાછૂટકે જાહેર હિતની અરજી કરવામાં આવી છે.