અમદાવાદ,તા.પ
પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે હાઇકોર્ટમાં એક નવી અરજી દાખલ કરીને રાજ્ય સરકાર દ્વારા પાટીદાર બહુમતિ ધરાવતા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવાના નિર્ણયને પડકાર આપ્યો હતો. પાસ તરફથી આજે હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર પાટીદાર અનામત આંદોલનને તોડી પાડવા માંગે છે અને હાર્દિક પટેલને સમર્થન આપનાર લોકોને ઉપવાસ આંદોલન ના સ્થળે આવવા દેવા ઇચ્છતી નથી. આથી કલમ ૧૪૪ લાગુ કરી ને નાગરિકોના આંદોલન અને વિરોધ કરવાના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે. કલમ ૧૪૪ મુજબ જે તે જિલ્લાના કે શહેરના કલેકટર અથવા પોલીસ કમિશનર એક જાહેરનામું બહાર પાડીને પાંચ કે તેથી વધુ વસ્તી ભેગા થઈ શકે નહીં તે બાબતે પ્રતિબંધક આદેશો બહાર પાડવામાં આવે છે. રાજ્યના અમદાવાદ ગાંધીનગર મહેસાણા અમરેલી સુરત સહિતના જિલ્લાઓમાં રાજ્ય સરકારે સ્થાનિક અધિકારીઓ મારફતે આ જાહેરનામુ બહાર પાડેલું છે. પાસ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે હજારો લોકો હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન કરે છે પરંતુ આંદોલનને કચડી નાખવા માટે રાજ્ય સરકાર કાયદાનો ભરપૂર દુરુંપયોગ કરી રહી છે. આથી જે જિલ્લામાં આ કલમ લગાવવામાં આવી છે તે દૂર કરવા માટેનો આદેશ કરવો જોઈએ. જોકે રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી તેમ જ લોકોના જાનમાલના રક્ષણ ની જવાબદારી સરકાર ઉપર છે. આથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવેલ છે. બંને પક્ષોએ દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા વધુ સુનાવણી આગામી સોમવાર ના રોજ રાખેલ છે.
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી કરવાની માગણી સાથે આમરણ ઉપવાસ ઉપર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને મળવા દેવા માટે અટકાવવાના પગલા લેવા બદલ પોલિસ વિભાગ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા આ પિટિશન કરીને પોલીસ હાર્દિક અને તેમના સર્મથકોના બંધારણીય અધિકારોનો ભંગ કરતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
કેસની વિગતો મુજબ પાસના કન્વેનર હાર્દિક પટેલ એસ. જી. હાઇવે નજીક આવેલા તેમના નિવાસસ્થાને આમરણ ઉપવાસ ઉપર તા. ૨૫ ઓગષ્ટથી બેઠા છે. આ ઉપવાસને લઇને રાજ્ય સરકારે આપેલા આદેશ મુજબ પોલીસ વિભાગે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઘરની આજુબાજુમાં દોઢ કિલોમીટર સુધીના વિસ્તારમાં પ્રવેશબંધી જેવો માહોલ છે. જે પણ મહાનુભાવો કે વ્યક્તિઓને હાર્દિકને સમર્થન આપવા માટે ઉપવાસ સ્થળે જવું હોય તો પોલીસ દ્વારા તેમને જવા દેવાતા નથી અને અટકાવવામાં આવે છે.તેના કારણે પોલીસ સાથે જીભાજોડી થવાના અનેક બનાવો બની ચુક્યા છે.
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર સેક્ટર-૧ અમિત વિશ્વકર્મા કોઇને પણ ઉપવાસ સ્થળે જવા દેવા માટે અનુમતી આપતી નથી અને એટલું જ નહી પરંતુ પાણી કે ખાણીપીણીનો સામાન લઇ જવા ઉપર પણ મર્યાદા લાગુ કરી દેવાઇ છે. આથી પોલીસની આ કામગીરી બંધારણીય અધિકારોથી વિરૂધ્ધ છે.
ઉપવાસ આંદોલનના કારણે શહેરમાં શાંતિ ભંગ કે બીજી કોઇ અઘટીત ઘટનાઓ બની નથી તેમ છતા પોલીસ દ્વારા આવી કાર્યવાહી કરીને આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરીને બંધારણીય હક્કો ઉપર તરાપ મારવાની કામગીરી કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, પાસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અનામતની માગણી સાથે આંદોલન કરાઇ રહ્યા છે. ગત તા. ૨૫ ઓગષ્ટે શહેરમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડથી હાર્દિકના ઉપવાસ આંદોલનની શરૂઆત થઇ હતી પરંતુ તે દિવસે ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા અને ૧૪ પાટીદાર યુવાનોના મરણ થયા હતા. તે ઘટનાને ત્રણ વર્ષ પુરા થતા હાર્દિક તરફથી ફરી વખત ઉપવાસ આંદોલન શરુ કર્યા છે
હાર્દિકની કઈ થાય તો એ તો એના નસીબ – એડવોકેટ જનરલ નું નિવેદન
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આજની સુનાવણી દરમિયાન એક આશ્ચર્યજનક નિવેદન કર્યું હતું કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાર્દિક ને કઈ થાય તો એ તો એના નસીબ વાત એવી બની હતી કે હાર્દિકના વકીલ બી એમ માંગુકિયા તરફથી આગામી સોમવાર ના બદલે આવતીકાલ ગુરૂવારના રોજ સુનાવણી રાખવા માટે કોર્ટ ને વિનંતી કરવામાં આવી હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા આ વિનંતી નો વિરોધ કરવામાં આવ્યો હતો તેની સામે માંગુકિયા જણાવ્યું હતું કે જો આટલી મુદત આપવામાં આવે તો હાર્દિક ને કાંઈ પણ થઇ શકે તેમ છે તેની સામે જવાબ આપતા ત્રિવેદીએ કહ્યું હતું કે હાર્દિક ને કઈ થાય તો એ તો તેના નસીબ આ નિવેદન બાદ કોર્ટમાં બેઠેલા પક્ષકારો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા.
હાર્દિકના શુભચિંતક ની અરજી નકારાઈ
હાર્દિક પટેલની ચિંતા વ્યક્ત કરતી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કલ્પેશ ઝા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે આટલા લાંબા દિવસથી હાર્દિક આંદોલન ઉપર બેઠો હોવાથી તેણે કાય પણ કહી શકે તેમ છે. આથી તેને પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં રાખવા જોઈએ અને તેમની આરોગ્યનું રક્ષણ કરવું જોઈએ. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તે બાબતે રાજ્ય સરકાર માહિતગાર છે અને યોગ્ય પગલાં ભરી રહી છે બીજું કે આ કેસને સંલગ્ન પાર્ટી તરીકે અરજદારને ગણી શકાય નહીં આથી અરજી ફગાવવા માં આવે છે.