અમદાવાદ, તા.૯
રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ બાબતે રજૂ કરવા પડતા ડોમીસાઇલ સર્ટિફિકેટ બાબતે રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક ઠરાવ કરીને ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે રજૂ કર્યો હતો. પ્રાચી શાહ નામની એક વિદ્યાર્થિનીએ પ્રવેશ વખતે જ ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણી કરવાની માગણી સાથે કરેલી પિટિશનના અનુસંધાને સરકારે નિર્ણય લઇને હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. પ્રાચી શાહે પિટિશન કરીને રજૂઆત કરી હતી કે, જો મેડિકલમાં પ્રવેશ વખતે જ જો વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણી કરી લેવામાં આવે તો તે ખરુ છે કે ખોટું તે બાબતે નિર્ણય લઇ શકાય અને પ્રવેશ અટકાવી શકાય. જો એક વાર પ્રવેશ લઇ લીધા બાદ જો ડોમિસાઇલ સર્ટિફિકેટ ખોટું હોવાનું બહાર આવે તો તે બેઠક બાતલ જાય અને અન્ય જેન્યુઇન વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત થઇ જાય છે. આ બાબતે પેરેન્ટ એસોસિએશન દ્વારા પણ રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને માગણી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા ઠરાવ મુજબ જિલ્લા કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં અને અમદાવાદ શહેરમાં પોલીસ મહાનિરીક્ષક( આઈ બી) ની અધ્યક્ષતા વાળી સમિતિઓ દ્વારા ડોમીસાઈલ સર્ટીફીકેટોની ખરાઇ કરવામાં આવશે. જિલ્લામાં ૪ સભ્યોની સમિતિમાં પ્રાંત અધિકારી, એડમિશન કમિટીના અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મહેસૂલ વિભાગના અધિકારી રહેશે. શહેરી વિસ્તારમાં પોલીસ મહાનિરીક્ષક શહેરના પોલીસ કમિશનર અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલા ડીસીપીએડમિશન કમિટીના અધિકારી અને શિક્ષણાધિકારી નિયુક્ત રહેશે. પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાના સંબંધિત ઉમેદવારોએ તેમના વિસ્તારના સંબંધિત પ્રાંત અધિકારી સમક્ષ અને પોલીસ કમિશનર અમદાવાદ શહેર વિસ્તારના ઉમેદવારોએ પોલીસ કમિશનર, અમદાવાદ ખાતે. તેને આનુષાંગિક જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર પ્રમાણપત્ર, ડોમીસાઈલ સર્ટીફીકેટ વેરિફિકેશન માટે રજુ કરવાના રહેશે. ડોમીસાઈલ સર્ટીફીકેટ વેરિફિકેશન ની કામગીરી ૨૦ જુલાઇ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તેની માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ને રજુ કરવાની રહેશે.