(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
દિલ્હીના સીએમ કેજરીાલના ધરણા અંગે હાઈકોર્ટે સખત ટિપ્પણી કરી છે. સોમવારે કોર્ટે કહ્યું છે કે તમે કોઈના ઘર અથવા કાર્યાલયમાં ઘૂસીને ધરણા ના કરી શકો. ધરણા આ રીતે ના કરી શકાય. આખરે તમને ત્યાં ધરણા યોજવાની મંજૂરી કોણે આપી ?
કોર્ટમાં આ પહેલાં દિલ્હી સરકારના વકીલે કહ્યું હતું, આઈએએસ અધિકારીઓએ કબૂલ્યું હતું કે તેઓ મંત્રીઓ દ્વારા આયોજિત બેઠકોમાં ભાગ લઈ રહ્યા નથી. કોર્ટે આ અંગે જવાબ આપ્યો કે અસલ વાત એ છે કે જે ધરણા તમે કરી રહ્યા છો તે કરવા માટે તમને મંજૂરી કોણે આપી ? વકીલે કહ્યું કે આ અંગત નિર્ણય હતો. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું કે શું તેના માટે મંજૂરી મળી હતી.
નોંધનીય છે કે સીએમના ધરણાનો ગઈ કાલે (૧૮ જૂન) આઠમો દિવસ હતો. આઈ.એ.એસ. અધિકારીઓની કથિત હડતાળ અંગે તેઓ ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલના કાર્યાલય પર ગત સોમવારે (૧૧ જૂન)ધરણા પર બેઠા હતા. સીએમનો આરોપ હતો કે કેન્દ્ર સરકારના ઈશારા પર અધિકારીઓ હડતાળ પર છે જેને કારણે ઘણાં કાર્યો પ્રભાવિત થઈ રહ્યા છે. કેજરીવાલ તે જ કથિત હડતાળને પૂરી કરવાની માગણી કરવા ઉપરાજ્યપાલ અનિલ બૈજલના કાર્યાલયમાં ધરણા પર બેઠા હતા. આ દરમ્યાન તેમની સાથે ત્રણ મંત્રી મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ બેઠા છે જેમાંથી બે જણાએ ભૂખ હડતાળનું એલાન કર્યું હતું. આઈ.એ.એસ. અધિકારીઓના સંગઠને રવિવારે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ પોતાનું કામ પ્રમાણિકતાથી કરી રહ્યા છે. હડતાળની અફવા માત્રને માત્ર તે લોકોની વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવા માટે ફેલાઈ ગઈ. બીજી તરફ સીએમની સાથે ધરણા યોજવામાં સત્યેન્દ્ર જૈને ભૂખ હડતાળનું એલાન કર્યું હતું જેમને રવિવારે રાત્રે લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.