અમદાવાદ, તા.૨૦
રાજ્યભરમાં આજે યોજાયેલી ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૦૦ તાલુકા પંચાયતોની ચૂંટણી સંદર્ભે એક મહત્વપૂર્ણ આદેશ કરતા ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો તેમની સમક્ષ થયેલી અલગ અલગ પાંચ પિટિશનના ચુકાદાને આધીન રહેશે. દર અઢી વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવાના કાયદા બાબતે હાઈકોર્ટે સરકારને નોટિસ કાઢીને ખુલાસો કરવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ શાસિત પાંચ જિલ્લા પંચાયતોના પ્રમુખ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરીને રાજ્ય સરકાર દ્વારા પંચાયતોના કાયદામાં સુધારો લાવીને જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની દર અઢી વર્ષે ચૂંટણી કરવાની જોગવાઈ ઉમેરી હતી. આના કારણે હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં લાવવામાં આવેલા આ સુધારાને ભાવનગર, અમરેલી, અમદાવાદ સહિતની જિલ્લા પંચાયતો દ્વારા પડકારવામાં આવી હતી. આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા પંચાયતના કાયદામાં ફેરફાર કરીને મનસ્વી રીતે આ નિર્ણય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ઉપર લાદવામાં આવ્યો છે. હકીકતમાં કાયદો બંધારણની વિરુદ્ધ છે અને લાવી શકાય નહીં. છેલ્લા પચાસ વરસથી આ કાયદો અસ્તિત્વમાં હતો પરંતુ રાજ્ય સરકારે કોઈ પણ કારણ વગર કાયદામાં સુધારો લાવીને કરતો ૨૦૧૬માં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી અગાઉ કાયદાનો અમલ લાગુ કરી દીધો હતો. તેના કારણે હવે દર વર્ષે પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવી ફરજિયાત બની છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ચાલી રહેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે અને એકબીજાના નેતાઓ ખરીદવાની હોડ ચાલી છે. પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટે આ ચૂંટણીઓ યોજવા સામે મનાઈ હુકમ પણ ઇન્કાર કર્યો હતો પરંતુ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ચૂંટણીઓના પરિણામો આ પિટિશનના ચુકાદાને આધિન રહેશે. આ બાબતે ચાર સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે.