દક્ષિણ ગુજરાતમાં મેઘાનો કહેર : ડાંગ જિલ્લામાં નવ ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ, તા. ૭
દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી શરૂ થયેલા વરસાદે ડાંગ જિલ્લામાં ૯ ઈંચ જેટલો વરસાદ પડતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો છે. જોકે ડાંગમાં આવેલ અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લાના સોનગઢમાં ૮ ઈંચ, વાલોડમાં ૧ ઈંચ, ડોલવણમાં ૩ ઈંચ, વ્યારામાં ૩ ઈંચ સહિત સમગ્ર જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં મેઘો મહેરબાન થતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની મહેરથી પ્રજાજનોની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ, સોનગઢ સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. રાજ્યના ૨૧ જિલ્લાનાં ૮૬ તાલુકામાં વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના પગલે સાપુતારામાં આવતા પ્રવાસીમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં આવેલા વોટરફોલ પણ ચાલુ થઈ ગયા હતા. જ્યારે વઘઈમાં ૬ ઈંચ વરસાદ અને કપરાડા, વાંસદા, વ્યારા અને ડોવલણમાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગણદેવીના કાંઠા વિસ્તારના ૨૬ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી ૧૨૩.૫૧ મીટરે પહોંચી છે. ડેમ ઓવર ફ્લો થતાં ડોસાવડા, કુમકુવા, ખરસી, ખાંજર ગામોને એલર્ટ કરાયા છે. વરસાદના કારણે કપરાડામાં પાણીની આવક થતા કોઝ-વે ઓવરફ્લો થયો છે. ૨૮થી ૩૦ ગામોને જોડતા કોઝ-વે પર પાણી વહી રહ્યું છે. જેથી રાહદારીઓ અટવાયા છે. પેઢારદેવી, એકલેરા, ધાનવેરી, અસ્ટોલ, બાબનવેલ, કરજલી, માલુગી ગામ સંપર્ક વિહોણાં બન્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks