(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
રાજયસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ રમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોરે ૪ વાગ્યા સુધીમાં ભારે રસાકસી જોવા મળી હતી. એક તરફ ભાજપ તેના ત્રણેય ઉમેદવારોની જીતનો દાવો કરી રહી હતી. ત્યાં કોંગ્રેસે તેમના ઉમેદવાર અહમદ પટેલની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ત્યારે સમગ્ર દિવસ દરમ્યાન કોણ જીતશે ? તે પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચડયો છે.
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે તડજોડની નીતિ અપનાવી ભાજપમાં લઈ જવાની ભાજપની રણનીતિને લીધે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લુરૂ લઈ ગઈ હતી. ત્યાર બાદ ત્યાંથી લાવીને આણંદ ખાતેના રિસોર્ટમાં રાખ્યા હતા. મંગળવારે રાજયસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ભાજપના અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બલવંતસિંહ રાજપૂત જયારે કોંગ્રેસના અહમદભાઈ પટેલ સહિતના ચાર ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ હતી. સવારથી મતદાન શરૂ થયું હતું. જેમાં સૌથી પહેલા કોંગ્રેસ તેના ૪૪ ધારાસભ્યોને ચુસ્તબંદોસ્ત સાથે આણંદથી ગાંધીનગર લઈને આવી હતી. ત્યારે કોંગ્રેસના બેંગ્લુરૂ ગયેલા ૪૪ ધારાસભ્યોએ મતદાન કર્યું જેમાંથી કોંગ્રેસના સાણંદના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું ખુદ કોંગી નેતાઓએ કબુલ્યું હતું. ત્યાર બાદ રસાકસી વચ્ચે એનસીપીના એક ધારાસભ્ય જયંત બોસ્કી અને જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ કોંગ્રેસને મત આપ્યો હોવાના દાવા સાથે કોંગ્રેસના નેતાઓએ અહમદ પટેલની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તો બીજી બાજુ ભાજપે પણ એનસીપીના બંને અને જેડીયુનો એક મત તેમને મળ્યો હોવાનો અને તેમના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો. રાજયસભાની ચૂંટણીનું ૧૦૦ ટકા મતદાન થયું ત્યારે સમગ્ર દિવસ દરમ્યાન સ્વર્ણિમ સંકુલ-રમાં એકજ ચર્ચા હતી કે અહમદ પટેલ જીતશે કે હારશે ?? જો કે મોડી સાંજે કોંગ્રેસે તેના બળવાખોર બે ધારાસભ્યોએ નિયમ વિરુધ્ધ આપેલા વોટને રદ કરવા ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. જેના લીધે રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું હતું. તો બીજી બાજુ કોંગ્રેસની ફરિયાદને લીધે રાજયસભાની ચૂંટણીનું મતદાન પુરૂં થયું હોવા છતાં મતગણતરી શરૂ થઈ ન હતી. ત્યારે બળવાખોર ધારાસભ્ય રાઘવજી પટેલે તેમના ઉપર લાગેલા આરોપને ખોટો ગણાવ્યો હતો. તો ભાજપે પણ કોંગ્રેસના બે ધારાસભ્ય સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા રાજકારણ વધુ તેજ બન્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ ચૂંટણીપંચમાં ફરિયાદને લીધે મતગણતરી અટવાયેલી હોવાથી રાજયસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું નથી. આમ રાજયસભાની ચૂંટણીના મતદાન વેળા સમગ્ર દિવસ દરમ્યાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્યારે ગુજરાત અને દેશભરમાં ગરમાયેલા રાજકારણમાં બસ એક જ ચર્ચા થતી હતી કે કોણ જીતશે ??