(એજન્સી) શિમલા, તા.૧૮
હિમાચલપ્રદેશમાં નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાનો વિજય, જ્યારે જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણની હાર થઈ છે. પ્રદેશમાં ભાજપની જીત બદલ અમિત શાહે કહ્યું. હિમાચલપ્રદેશે પોતાની સરકાર બદલવાની પરંપરા ચાલુ રાખી છે. છેલ્લા ત્રણ દાયકાથી આ પ્રથા ચાલુ જ છે. કોઈપણ પક્ષને સળંગ બીજી વખત જીત પ્રદેશમાં સત્તા મળી નથી, આ વખતે ભાજપનો વારો છે. જેથી ભાજપની ચૂંટણીઓમાં જીત થઈ છે અને શાસક પક્ષ કોંગ્રેસની હાર થઈ છે. હિમાચલપ્રદેશની ૬૮ બેઠકો માટે ૪૮ કેન્દ્રો ઉપર મત ગણના યોજાઈ હતી. ચૂંટણીઓ ૪૦ દિવસ પહેલાં થઈ હતી પણ ગુજરાતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પરિણામો જાહેર કરાયા ન હતા. એક્ઝિટપોલમાં હિમાચલપ્રદેશમાં ભાજપની સરળ વિજય દર્શાવાઈ હતી. જો કે ભાજપને સરકાર બનાવવાની તક મળી છે પણ એમના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરાયેલ પ્રેમકુમાર ધૂમલની જ હાર થઈ છે. બીજી બાજુ કોંગ્રેસની કારમી હાર છતાંય અને ભ્રષ્ટાચારોના ગંભીર આક્ષેપોનો સામનો કરનાર પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંઘની જીત થઈ છે. ચૂંટણી મેદાનમાં કુલ ૩૭૭ ઉમેદવારો હતા. જેમાંથી ભાજપ અને કોંગ્રેસે બધી જ બેઠકો માટે ઉમેદવારો ઊભા રાખ્યા હતા. બીએસપીએ ૪ર અને સીપીઆઈ(એમ)એ ૧૪ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પ્રદેશમાં ૭પ.ર૮ ટકા જેટલું જંગી મતદાન થયું હતું.
હિમાચલ પ્રદેશ પરિણામ ચિત્ર
હિમાચલપ્રદેશ વિધાનસભા સીટ ૬૮
પરિણામ જાહેર ૬૮
ભાજપને સીટો મળી ૪૪
કોંગ્રેસને સીટો મળી ૨૧
અન્યોને સીટો મળી ૦૩