ભાજપ શાસિત ગુજરાતમાં ખેડૂતોની આવક બે દાયકામાં હતી તેનાથી યે અડધી થઈ

અમદાવાદ,તા.૧૧
સમગ્ર દેશમાં ર૦રરના વર્ષમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો ભ્રામક પ્રચાર કરતી ભાજપ સરકારનાં ગુજરાતમાં બે દશકાના શાસનમાં ખેડૂતોની આવક હતી તેના કરતા પણ અડધી થઈ ગઈ છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતમજૂરીના ત્રણ ગણા થયેલા ભાવો સામે એક પણ ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નહીં હોવાથી ભાજપના ક્રૂર શાસનમાં ગુજરાતના ૧પ હજાર ખેડૂતોને આપઘાત કરવો પડયો છે. આમ છતાં ખેડૂતોની શહીદી ઉપર સત્તામાં આવેલી ભાજપ સરકાર દ્વારા આપઘાત કરનાર ખેડૂતોના પરિવારોને એક રૂપિયાનું પણ વળતર ચૂકવ્યું નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, આર્થિક પાયમાલીમાં આવી ગયેલા ગુજરાત અને દેશના ધરતીપુત્રો અત્યારે આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાજપનો કિસાન મોરચો અને કિસાન સંઘ શોધ્યાય જડતા નથી. ભાજપ એક જ દિવસની સત્તામાં કર્ણાટકમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી શકે છે, એ જ રીતે મહારાષ્ટ્ર અને યુપીમાં દેવું માફ કરનાર ભાજપ ગુજરાતમાં ખેડૂત વિરોધી નીતિ અપનાવી કેમ દેવું માફ કરતી નથી ? મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનું કંઈ જ ઉપજતું નથી. તેમાં કેન્દ્રીય મંત્રી રાધા મોહનસિંહે, ખેડૂતો ટીવીમાં દેખાવવા માટે આંદોલન કરી રહ્યા હોવાનું જણાવી ધરતીપુત્રોની ક્રૂર મશ્કરી કરી તે ખૂબ જ શરમજનક છે. ખેડૂતોએ પરસેવો પાડી ઉત્પાદન કરેલા પાકની કિંમત વેપારીઓ નક્કી કરે છે, તેના બદલે કિસાનો જ વિવિધ પાકના ભાવ નક્કી કરે તેવી કેન્દ્રીય મંત્રીએ ચિંતા કરવી જોઈએ. ભાજપ સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદીમાં કરોડો રૂપિયાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવતા ડો. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, ખેડૂતોને નહીંવત લાભ મળવાની સામે વચેટિયાઓ અને મળતિયાઓની તિજોરી ભરાઈ રહી છે. મત મેળવવા ખેડૂતોને શહીદ કરી સત્તામાં આવનાર ભાજપ શાસનમાં ખેત ઓજારો, ટ્રેકટર, ડીઝલ, પંપ, ખાતર, બિયારણના ભાવોમાં ત્રણ ગણો વધારો થયો છે અને ગોડાઉનની સબસિડી પણ બંધ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ શાસનમાં ખાતરના કારખાના, ડેરી જમીન માલિકી આપવા સાથે દેવા નાબુદી, ટેક્ષ માફી, કૃષિ યુનિ. અને હોર્સ પાવરથી વીજ જોડાણ આપવામાં આવ્યા હતા. જયારે ભાજપે વિવિધ ટેક્ષ ઝીકવા સાથે નર્મદાના પાણી, વીજળી અને પોષણક્ષમ ભાવોથી ખેડૂતોને વંચિત રાખી, કૃષિમેળા, સૌની યોજના હોય કે સુજલામ સુફલામ યોજનાના નાટકો કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. ગામડાઓની સ્થિતિ બગાડવા સાથે ગામડા ગરીબ બની રહ્યા હોવાથી ખેડૂતો અને કોંગ્રેસે નાછુટકે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ યુપીએની કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે શું કર્યું ? કહેલી વાત સામે ભાજપના રર વર્ષના શાસન અને યુપીએની કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે કરેલા કાર્યોની જાહેર ચર્ચા કરવા હિમાંશુ પર્ટલે ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંકયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts