(એજન્સી) શ્રીનગર, તા.૧૪
જમ્મુ-કાશ્મીરનાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મોટા ભાગનાં રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અનેક ગામોમાં અંધારપટ છવાયો છે. કાશ્મીર ઘાટીમાં તંત્ર દ્વારા હિમવર્ષા બાદ સાત જિલ્લામાં હિમસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે.
અધિકારીનાં જણાવ્યાં અનુસાર સતત ત્રણ દિવસથી થઈ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે બાંદીપુરા, બારામુલા, અનંતનાગ, કુલગામ, બડગામ, કુપવાડા અને ગંદેરબલ જિલ્લામાં હિમસ્ખલનની શક્યતા છે. ર૪ કલાક માટે આ તમામ સાત જિલ્લાને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. ચેતવણી જારી થયાં બાદ તંત્ર પણ સાબદું બન્યું છે. હિમસ્ખલનની શક્યતાવાળા સંવેદનશીલ વિસ્તારોમાં ન જવા માટે લોકોને ચેતવવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીનાં મોટા ભાગનાં પહાડી વિસ્તારોમાં સોમવારથી જ હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે.
જેનાંથી શ્રીનગર-લેહ હાઈવે અને મુગલ રોડ સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયાં છે. શ્રીનગર-કારગિલ-લેહ, શ્રીનગર-રાજૌરી-પુંચ (મુગલ રોડ), શ્રીનગર-સથનટોપ-કિશ્તવાડ હાઈવે સોમવારથી જ બંધ છે. જમ્મુને કાશ્મીર સાથે જોડતો એકમાત્ર જમ્મુ-શ્રીનગર હાઈવે એક તરફી વાહનવ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આજે સવારથી જ મોટા ભાગના રસ્તાઓ બંધ જ છે અને તેનાં કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દરમ્યાન હવામાનમાં અચાનક આવેલા પલટાથી બદરીનાથમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. તેનાથી ઉત્તરાખંડનાં અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે અહીં આગામી ર૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરીને પ્રવાસીઓને સાવધાન રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યાં પ્રમાણે, પૌડી, રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તર કાશી, ટિહરી, નૈનિતાલ, અલ્મોડા, પિથોરાગઢ વગેરે જેવા ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડવાની સંભાવના છે. હિમવર્ષાથી હિમાચલપ્રદેશનાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધી અને કાશ્મીરનાં તાપમાનમાં આઠ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. હિમાચલનાં રોહતાંગમાં અડધા ફૂટથી વધુ બરફ પડ્યો છે. લાહુલ સ્પીતિમાં પાંચ ઈંચ બરફ પડ્યો છે. આજે સવારથી થઈ રહેલી ભારે હિમવર્ષાની અસર ચંડીગઢ અને દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી છે.