(એજન્સી) મુંબઈ, તા.પ
મહારાષ્ટ્રના માલેગાંવમાં વર્ષ ર૦૦૮માં બોમ્બ વિસ્ફોટના આરોપી રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય પશ્ચિમ બંગાળની જાદવપુરની સંસદીય બેઠક પરથી વર્ષ ર૦૧૯માં આગામી લોકસભા ચૂંટણી લડશે. મેજર રમેશ ઉપાધ્યાયને હિન્દુ મહાસભા પોતાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારશે. રિટાયર્ડ મેજર રમેશ હાલમાં જામીન પર મુક્ત થયેલ છે. ગત વર્ષ બોમ્બે હાઈકોર્ટે રમેશ ઉપાધ્યાયને સમાનતાના અધિકાર હેઠળ જામીન આપવા આદેશ આપ્યો હતો ત્યારપછીથી મેજર જેલમુક્ત છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી લડવા રમેશ ઉપાધ્યાયે મકોકા કોર્ટ પાસે પરવાનગી માંગી હતી અને કોર્ટે તે મંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ર૯ સપ્ટે, ર૦૦૮ના રોજ માલેગાંવમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં ૭નાં મોત જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે મેજર રમેશ ઉપાધ્યાય, કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત ૯ લોકો દોષિત જાહેર કર્યા હતા. હવે હિન્દુ મહાસભાએ રમેશ ઉપાધ્યાયને પોતાની ટિકિટ પર પશ્ચિમ બંગાળના જાદવપુરથી લોકસભા ચૂંટણી લડ્યાની ઘોષણા કરી છે.