Ahmedabad

હિંદુ પરિવારે ઘાયલ મુસ્લિમ યુવાનની સારવાર કરી માનવતાની મહેક પ્રસરાવી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
એક સમયે કોમી તોફાનો માટે સંવેદનશીલ ગણાતા પરંતુ શાંતિપ્રિય હિંદુ-મુસ્લિમ આગેવાનોની અથાગ મહેનતથી હાલ જ્યાં કોમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારાની સુવાસ પ્રસરી રહી છે તે દરિયાપુરમાં કોમી એકતા અને માનવતાની વધુ એક મિશાલ કાયમ થઈ છે. આજે સવારે દરિયાપુર તંબુ ચોકી પાછળ કે, જ્યાં બે દિવસ પહેલાં જ કચરાપેટીમાંથી ૧૫ દેશી બોમ્બ મળ્યા હતા તેની નજીકમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતા મુસ્લિમ યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે તુરંત જ દોડી આવેલા મોદી પરિવારે ૧૦૮ આવે એ પહેલાં આ યુવકની પ્રાથમિક સારવાર કરી દરિયાપુરમાં સ્થપાતી જતી શાંતિ અને કોમી એકતાનો વધુ એક પુરાવો પૂરો પાડ્યો છે. દરિયાપુર તંબુ ચોકી પાછળ આવેલ એક મુસ્લિમ સમાજની વ્યક્તિનું જર્જરિત મકાન ધરાશાયી થયું, તેમાં રિઝવાન નામના યુવકને ગંભીર ઈજાઓ થતાં અંબિકા વિજય હિન્દુ હોટલના મેડા ઉપર રહેતા રાજેશ બી. મોદી તેમજ પાર્થ મોદી એ રિઝવાનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ આવે એ પહેલાં પોતાના પહેલાં માળે આવેલ ઘેર લઈ જઈ ને પ્રાથમિક સારવાર કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોમ્બ મૂકવાની ઘટના સંદર્ભમાં એક મહિલા અને એક યુવકની ધરપકડ કરવામાં આવી તેમની બરાબર બાજુમાં એક જ દિવાલને અડીને રાજેશ મોદીનું મકાન આવેલું છે. આ વાતની જાણ થતાં જ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, સામાજિક આગેવાન અઝીઝ ગાંધી, જયંતિ સોલંકી, મહેશ વાઘેલા, વિનોદ મોદી, મહેશ પંચાલ વગેરે આસપાસ રહેતા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૭/૧૦/૧૭ને શનિવારે આ વિસ્તારમાંથી ૧પ દેશી બોમ્બ પકડવામાં આવ્યા હતા. દરિયાપુરના તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ આ ઘટનાને એક રાજકીય ષડયંત્ર માનીને કોઈ અઘટિત ઘટના બનવા દીધી નહોતી.
બોમ્બ મૂકવાની ઘટના બાદ પણ દરિયાપુરની શાંતિપ્રિય પ્રજા જાણી ગઈ હતી કે આ કોઈ રાજકીય કાવતરૂં હશે એમ માની કંઈ બન્યું જ નથી તેમ પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત બની ગઈ હતી. કારણ કે તેઓ જાણે છે કે અગાઉ વર્ષોથી જે રાજકીય તોફાનો થયા હતા તેમાં ઘણું નુકસાન ભોગવી ચૂક્યા છે. હવે તો મોહર્રમ હોય, ઉત્તરાયણ હોય કે રથયાત્રા હોય તમામ પર્વો કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવતા આવ્યા છે. કોમી એકતા ક્રિકેટ મેચ પણ રમી પોતાની એકબીજાના ધર્મ પ્રત્યેની ભાવનાનો પરચો આપી ચૂક્યા છે. દરિયાપુરની ફૂટી મસ્જિદ હિન્દુ બહેનોને પાણી માટે ખોલી આપી મુસ્લિમોએ તો કોમી ઐક્ય અને માનવતાની અનેરી મિશાલ કાયમ કરી હિન્દુભાઈઓના દિલ જીતી લીધા છે. દરિયાપુર પોલીસ સ્ટેશન હાલ ક્રાઈમ રેટમાં સૌથી નીચે છે. આવા અનેક ઉદાહરણો દરિયાપુરની કિર્તીમાં શોભા આપી રહ્યા છે ત્યારે આજરોજ એક હિંદુ પરિવારે ઈજાગ્રસ્ત મુસ્લિમ યુવાનની પ્રાથમિક સારવાર કરી આ યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે.