ઇનોવાને ગાડી અડી જતા હિંદુત્વવાદી સંગઠનના ગુંડાઓએ આતંક મચાવી સલમાનને મોતને ઘાટ ઊતાર્યો
ભોપાલ, તા. ૯
દેેશભરમાં હિંદુવાદી સંગઠનોની ગુંડાગીરી દરરોજ વધી રહી છે. ગંભીર ગુનાઓમાં આવા સંગઠનોના ગુંડાઓના નામ આવી રહ્યા છે. ભોપાલમાં ઇનોવા ગાડી પર સહેજ ઘસરકો દેખાતા નારાજ એક બદમાશે શનિવારે પોતાના સાથીઓ સાથે મળીને બે ભાઇઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. શિવાજી નગરના શાંતિ નગરમાં રહેતા અબ્દુલ સઇદ પાસે લોડિંગ છે અને તે ઇવેન્ટનું પણ કામ કરે છે. શનિવારે રાતે સઇદ ગાડી પાછળ લેતો હતો ત્યારે પાડોશમાં રહેતા હિંદુ સેનાના અધ્યક્ષ શિવાની ઇનોવા ગાડીને અડી ગઇ હતી. બાદમાં શિવા અને સઇદ વચ્ચે થયેલી સમાન્ય તકરાર બાદ મામલો શાંત થઇ ગયો હતો. પરંતુ થોડીવારમાં જ શિવા પરત તેના સાથીઓ સાથે સઇદના ઘર બહાર આવી ચડ્યો હતો અને પથ્થરમારો કરી ગાળો બોલવા લાગ્યો. આ સમયે સઇદના મોટાભાઇનો દિકરો સલમાન પણ પહોંચી ગયો હતો અને જોયું કે શિવા અને તેના ગુંડાઓ ડંડા-તલવારોથી નાના ભાઇ સોહેલ તથા શોએબને મારી રહ્યા હતા. સલમાને વચ્ચે પડતાં તેના પર પણ હુમલો કર્યો હતો. બદમાશોએ સલમાનને ૩૦૦ મીટર સુધી ઇનોવા ગાડી દ્વારા ઢસડ્યો હતો અને બાદમાં નજીકમાં ઉભેલા ટેન્કર સાથે કાર ભટકાવી દીધી હતી જેના કારણે સલમાનના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે સલમાન નીચે પટકાતા તેમણે ઇનોવાથી તેને કચડી નાખ્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યારપછી બેબાકળા બનેલા પાડોશીઓ સલમાનને નર્મદા હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં રવિવારે સવારે તેનું મોત થયું હતું. હાલ પોલીસે આ મામલે હત્યા, હત્યાનો પ્રયાસનો કેસ નોંધ્યો છે. પોલીસ અનુસાર શિવા રાષ્ટ્રીય હિંદુ સેનાનો અધ્યક્ષ છે અને રાતે તેણે પોતાના કાર્યકરો સાથે પાર્કિંગમાં દારૂ પીધો હતો. ત્યારપછી તેમણે ઉત્પાત મચાવી હતી.