(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા સોમવારથી શરુ કરવામાં આવેલી ડીટીસીની સાઇટમાં સરેરાશ બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે સુરતમાં હીરા ઉદ્યોગકારો વેચતા રફ હીરાની કિંમતમાં સરેરાશ ચાર ટકાનો વધારો થયો છે.
હીરા ઉદ્યોગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડીટીસીની જુન મહિનાની ચાર દિવસીય સાઇટ સોમવારથી શરુ થઇ છે. જેમાં હીરા ઉદ્યોગકારોની ધારણા મુજબ રફ હીરાની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. મે મહિનાની ટીડીસીની સાઇટમાં રફ હીરાની કિંમતમાં બે ટકાનો ઘટાડો થયો હતો. એક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલમાં હીરા ઉદ્યોગની પરિસ્થિતિ ખુબ સારી નથી પરંતુ જો ડીટીસી કંપની રફ હીરાના કિંમતમાં ઘટાડો કરે તો તેની સીધી પોલિશ્ડ હીરાની કિંમતો પર પડશે તેથી બજારમાં રફ હીરાની કિંમતો ટંકાવી રાખવા માટે ડીટીસી કંપનીએ જુન મહિનાની સાઇટમાં બે ટકા ભાવ વધારો કર્યો છે. હીરા ઉદ્યોગકારો આગામી દિવસોમાં સારી ખરીદીની આશા વ્યક્ત કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાછલા મહિનાઓમાં મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં બે ટકાનો વધારો નોંધાયો હતો. જીએસટીને લીધે અત્યાર સુધી હીરા ઉદ્યોગની ગાડી પાટે ચડી નથી. હવે ધીરે ધીરે ગાડી પાટે ચડી રહી છે અને હીરા ઉદ્યોગકારોને અપેક્ષા છે કે વિદેશ સાથે હવે ભારતમાં પણ પોલિશ્ડ હીરાની ડિમાન્ડ વધતા તેમને હીરાના વેચાણ માટે વિદેશપર આધાર રાખવો પડશે નહીં.