(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૦
સુરતના બે હીરા વેપારીઓના ૧૧ જેટલા બેંક ખાતાઓની તપાસ કરનાર ધી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) હીરાના વેપારમાં કહેવાતા મની લોન્ડરીંગ કૌભાંડની તપાસ આગળ વધારી છે.
આ બે ડાયમંડ વેપારીઓએ આયાત થતા રફ ડાયમંડની મૂળ કિંમત ૧૬૦ ગણી વધુ દર્શાવી હતી. આ વેપારીઓને સુવિધા કરી આપવાની શંકા પરથી કસ્ટમ અધિકારીઓના નિવેદનો પણ એજન્સી લઇ રહી છે. આ તપાસનો રેલો સુરત સુધી લંબાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સ્થિત બે આયાતકારોએ દુબઇ અને હોંગકોંગથી ભારત ડાયમંડ બુર્સ (બીડીસી) માં આયાત કરી હતી. તે રફડાયમંડના ૧૪ કન્સાઇન્ટમેન્ટો ડીઆરઆઇએ જપ્ત કર્યા છે. ક્લીયરીંગ હાઉસ એજન્ટને ડિલીવરી અપાઇ રહી હતી તે ટાંકણે જ આ કન્સાઇન્મેન્ટો જપ્ત કરાયા હતા. ડીઆરઆઇએ શોધી કાઢ્યું હતું કે આયાતી સામાનની મૂળ વેલ્યુ રૃા.૧ કરોડની સામે જાહેર કરાયેલી વેલ્યુ રૂા.૧પ૬ કરોડની હતી. બે આયાતકારો ભારતમાં સંતાયા હોવાનું જાણવા મળે છે. આમા તફાવતના ૧પપ કરોડ કાળા નાણાં છે જે દેશ છોડી બહાર જવાના હતા. ડીઆરઆઇ હવે નાણાંનું પગેરૂ પકડી તેના મૂળિયા શોધી રહી છે. કયા ખાતામાંથી આ રૂા. ૧પપ કરોડ આયાતકારોના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. તેની શોધ હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. જીજેઇપીસીએ કહ્યું હતું કે તેની ભલામણ કરાયેલા વેલ્યુઅરોમાના એક વેલ્યુઅરે જ આ કૌભાંડ ખુલલુ પાડ્યું છે. આમ છતાં ડીઆરઆઇ કહે છે કે આ બાબત તેના રડાર પર હતી જ , ડીઆરઆઇએ ડેટા જીજેઇપીસી પાસેથી મેળવ્યા છે જે ઘણા ઉપયોગી છે. આમ છતાં ડીઆરઆઇની પોતાના ખબરી નેટવર્કના આધારે કેસ ફાઇલ કરાયો હોવાનું જાણવા મળે છે.