નવી દિલ્હી,તા.૭
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના કથિત મામલામાં વ્યક્તિગત રૂપે સુનાવણી માટે બીસીસીઆઈના લોકપાલ સહ નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ ડીકે જૈન સમક્ષ ૧૪ મેએ રજૂ થશે. જાણવા મળ્યું છે કે, આ મામલામાં ફરિયાદી મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સંજીવ ગુપ્તા અને બીસીસીઆઈ સીઈઓ રાહુલ જૌહરીને પણ ન્યાયમૂર્તિએ જુબાની માટે બોલાવ્યા છે.
ગુપ્તાએ તેંડુલકર અને લક્ષ્મણ પર હિતોના ટકરાવનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ બંન્ને ક્રિકેટરોએ કોઈપણ પ્રકારના હિતોના ટકરાવનો ઇનકાર કર્યો છે. ગુપ્તાનો આરોપ હતો કે આ બંન્ને ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય છે જ્યારે આ સિવાય સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સના આઇકોન અને લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટોરના રૂપમાં બેવડી ભૂમિકા ભજવી રહ્યાં છે.