(એજન્સી) લેબેનોન, તા.૧૩
સીરિયામાં સેનાએ કહ્યું છે કે, તેણે શનિવારે સુખનેહ શહેરને સંપૂર્ણપણે મુક્ત કરાવી લીધો છે જે હોમ્સ પ્રાંતમાં આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો અંતિમ ગઢ મનાતો હતો. સમાચાર એજન્સીએ જણાવ્યું કે સેના દ્વારા શોધખોળ અભિયાન પૂર્ણ કર્યા અને શહેરમાં આઈએસ દ્વારા છોડવામાં આવેલા વિસ્ફોટકો નષ્ટ કર્યા બાદ ૧૦ કટ્ટરપંથીને ઠાર મારવામાં આવ્યા હતા અને અનેક હથિયારો પણ નષ્ટ કરવામાં આવ્યા છે. આ જાહેરાત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના એ નિવેદન બાદ કરવામાં આવી છે જેમાં કહેવાયું હતું કે હોમ્સમાં આઈએસ સુખનેહ શહેરથી પીછેહઠ કરી રહ્યો છે. આઈએસની પીછેહઠ કરવાથી સુખનેહ અગાઉથી જ સેનાના કબજા હેઠળ આવી ગયો હતો પરંતુ શહેરમાં વિસ્ફોટક ઉપકરણો હોવાને અને માર્ગના કિનારે લગાવેલા બોમ્બને કારણે વિજયની જાહેરાત મોડેથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આઈએસ એક ઘાતક આતંકી સંગઠન છે જેણે ઈરાક અને સીરિયાના અનેક વિસ્તારોમાં કબજો જમાવી રાખ્યો છે. અરબી ન્યૂઝ ચેનલ અલ-જઝીરાએ આ માહિતી આપતાં કહ્યું કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના ટેકાવાળી સેના હોમ્સ પ્રાંતમાં ધસી આવી સુખનેહ શહેર પર કબજો જમાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે, સુખનેહ શહેર દેશના પૂર્વોત્તરમાં સ્થિત પ્રાચીન શહેર પાલમીરાથી લગભગ પ૦ કિમીના અંતરે આવેલા છે જેના પર સીરિયાની સેનાએ માર્ચ પર મહિનામાં જ કબજો કરી લીધો હતો. સમાચાર એજન્સી સના મુજબ અલ-સુખના શહેર આઈએસના કબજાવાળા વિસ્તારથી ફક્ત પ૦ કિમીના અંતરે આવેલ છે. સીરિયાની સહયોગી સેનાઓએ કબજો જમાવતાં દેર અલ-જોર તરફ પ્રયાણ કરવામાં મદદ મળશે કેમ કે અહીં પસાર થતો એક હાઈવે પણ છે. જો કે સીરિયાની સરકારે આ સમાચારની પુષ્ટિ કરી નથી પરંતુ સરકારી સમાચાર એજન્સી સેનાએ તેની જાણકારી આપતા કહ્યું બશર અલ-અસદની સેનાએ ત્રણ દિશાથી સુખનેહ શહેરને ઘેરી લીધો છે. આવી જ રીતે હિઝબુલ્લાહ સંગઠને પણ પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, એકબાજુ રશિયાના ટેકાવાળી સીરિયાની સેના દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે જો કે બીજી બાજુ અમેરિકી ટેકાવાળી કુર્દિશ સેના હુમલા કરી રહી છે જેના લીધે આઈએસ નબળો પડી રહ્યો છે અને સીરિયામાં નિયંત્રણ ગુમાવી રહ્યો છે.