(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સી કે પ્રજાપતિ સ્કૂલમાં ધોરણ ૨માં અભ્યાસ કરતી એક બાળકીને શિક્ષિકાએ હોમવર્ક નહી લાવવા બદલ વર્ગમાં શર્ટના બટન કઢાવીને ઉભા રાખવાની સજા કરતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર શનિવારે બનેલી આ ઘટના અંગે બાળકીએ મંગળવારે ડરતા ડરતા પોતાના માતા પિતાને વાત કરી હતી. જેથી આજે બાળકીના મમ્મી પૂજાબેન વ્યાસ અને અન્ય પરિવારજનોેએ સ્કૂલમાં આવીને પ્રિન્સિપાલની કેબિનમાં ભારે હંગામો કર્યો હતો. બાળકીના માતાપૂજાબેને આક્ષેપ કર્યોહતો કે ૯ સપ્ટેમ્બરે મારી પુત્રી સ્કૂલમાં ગઈ હતી ત્યારે શિક્ષકા ધર્મિષ્ઠા રાઠોડે તેને શર્ટ કાઢીને ક્લાસમાં અન્ય બાળકો સમક્ષ ઉભી રાખી હતી.એટલુ જ નહી અન્ય બાળકોને તેમણે ટકોર પણ કરી હતી કે ..જુઓ તેને જોવાની મજા આવી રહી છે ને…આ ઘટના બાદ મારી પુત્રી હજી પણ આઘાતમાં છે.. બાળકીની માતાના આક્ષેપો સાંભળીને શાળાના આચાર્ય પણ ચોંકી ગયા હતા.જોત જોતામાં આખી સ્કૂલમાં આ વાત ફેલાઈ જતા ચકચાર મચી ગઈ હતી.આ ઘટનાના પગલે આચાર્યે તાત્કાલીક શિક્ષિકા ધર્મિષ્ઠા રાઠોડનુ રાજીનામુ લઈ લીધુ હતુ.આ ઘટનાના પગલે સ્કૂલમાં ભણતા અન્ય બાળકોના વાલીઓ પણ ગભરાઈ ગયા છે અને સ્કૂલના સંચાલન સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં બાળકો સામે આવા કૃત્યો થાય છે જેને પગલે વાલીઓમાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળા આજે ભાજપમાં જોડાયેલા પુર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની હોવાનું જાણવા મળ્યું છે.