રામરહીમની ‘એન્જલ’ : હનીપ્રીત ઈન્સાનને પોલીસ શોધે છે, એરપોર્ટ એલર્ટ કરાયા

(એજન્સી) ચંદીગઢ, તા.૧
રામરહીમની કહેવાતી પુત્રી હનીપ્રીતને શોધી કાઢવા માટે હરિયાણા પોલીસે ઝુંબેશ હાથ ધરી દેશભરના એપોર્ટ સહિત પ્રવેશવાના મહત્ત્વના પોઈન્ટોને એલર્ટ કરાયા છે. હરિયાણા પોલીસે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમ સિંહની દત્તક પુત્રી હનીપ્રીત સિંહ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. હનીપ્રીત પર આરોપ છે કે, તેણે બાબા રામરહીમને અદાલતથી ભગાડવાનું ષડયંત્ર રચ્યું હતું. હનીપ્રીતની સાથે જ પોલીસે રામરહીમના પુત્ર આદિત્ય ઇંસા વિરૂદ્ધ પણ લુકઆઉટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૫ ઓગસ્ટના રોજ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો(સીબીઆઇ)ની પંચકુલા અદાલતના જજ જગદીપ સિંહે રામરહીમને દોષી જાહેર કર્યા હતા અને તેમને જેલમાં લઇ જવાની તૈયારી થઇ હતી. આ દરમિયાન રામરહીમને ભગાડવાની યોજના બનાવવામાં આવી હતી. લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ હવે હનીપ્રીત હવે દેશ છોડીને નહીં જઇ શકે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, હનીપ્રીત છુપાઇને ગઇ છે, કેટલાક લોકો કહી રહ્યાં છે કે તે રોહતકમાં જ ડેરાના સમર્થકોના ઘરે રહે છે. તો વળી, તે નેપાળ ભાગી ગઇ હોવાની પણ અફવા છે. દેશભરના એરપોર્ટ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રામ રહીમે ૨૦ વર્ષની સજા થયા બાદથી જ આ પ્રશ્ન થઇ રહ્યો છે કે, હનીપ્રીત ગઇ ક્યાં? હનીપ્રીત પર દેશદ્રોહનો આરોપ છે. રામ રહીમને જેલ થયા બાદ તે છેલ્લે રોહતકમાં જોવા મળી હતી. તે રામ રહીમ સાથે હેલિકૉપ્ટરમાં રોહતક જેલ ગઇ હતી, આ અંગે ખાસો વિવાદ પણ થયો હતો.
રામ રહીમનો વારસદાર કોણ?
ગુરમીત રામ રહીમ જેલ ગયા બાદ એ વાતની પણ ચર્ચા થઇ રહી હતી કે, તેમની ગાદી હવે કોણ સંભાળશે. આ યાદીમાં સૌથી પહેલું નામ હનીપ્રીતનું છે. તે રામ રહીમની ખૂબ નજીક હતી, આથી તે સૌથી પ્રબળ દાવેદાર છે. ત્યાર બાદ બીજું નામ છે, રામ રહીમના પુત્ર જસમીત ઇંસાનું. પરંતુ કહેવાઇ રહ્યું છે કે, ડેરાના નિયમો અનુસાર, જસમીત ઇંસાને તેના પિતાની ગાદી નહીં મળે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks