તમામ ભાઈઓ વચ્ચે એકમાત્ર ‘દંગલ ગર્લ’
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧
અમદાવાદના વાતાવરણમાં રહેલ પરિવારે દૂર-દૂર સુધી રમતોનો ‘ર’ પણ જાણ્યો નહોતો તેવા કુટુંબની દીકરીએ ઘોડે સવારીમાં રાજ્ય કક્ષાએ ઝાંસીની રાણી એવોર્ડ પ્રાપ્ત કરતા સમાજ તેમજ કુળનું નામ દીપાવ્યું છે. ઘોડા પર બેસી મટકી ફોડ રમતમાં બીજો ક્રમાંક તથા પાંચ કિ.મી.ની રેસમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી ક્રિષ્ના પરમારે અનેરૂં બહુમાન પ્રાપ્ત કર્યું છે.
બનાસકાંઠાના જસરામાં તાજેતરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ઘોડેસવારીની સ્પર્ધામાં અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી ક્રિષ્ના પરમારે ભાગ લીધો હતો. તમામ ભાઈઓ સાથે આ એક જ દીકરી જમ્પ હોર્સ રાઈડિંગના મેદાનમાં ઊતરી હતી અને સૌને પછડાટ આપી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ અંગે ક્રિષ્નાએ વાત કરતાં જણાવ્યું કે, ગુજરાત નાગરિક સંરક્ષણ (ગુજરાત સિવિલ ડિફેન્સ) થકી હોર્સ રાઈડિંગની તાલીમ મેળવી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતે કરાઈ ટ્રેનિંગ કેમ્પમાં પણ હોર્સ રાઈડિંગ શીખવા સવારે ૪ વાગ્યે માતાને લઈને જતી હતી. નાનપણથી સ્પોર્ટસમાં વધુ રસ હોવાથી કોલેજમાં રમત-ગમતની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હતી. કોલેજે પહેલા વર્ષ દરમ્યાન જ સ્પોર્ટસ પ્રત્યે વધુ આકર્ષણ જોઈ સોફટબોલ તથા ક્રિકેટની કેપ્ટન બનાવી હતી. રમત દરમ્યાન થયેલા અનુભવોને વાગોળતાં ક્રિષ્નાએ જણાવ્યું કે ક્યારેય પણ મટકીફોડ કે ઘોડેસવારીમાં ભાગ લીધો નહોતો. એટલે મનમાં એક જાતની બીક હતી. પરંતુ પરિવાર અને કોલેજના પ્રિન્સિપાલ કામિનીબેને પ્રેરેલ આત્મવિશ્વાસ થકી જ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.