(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
શહેરના ભાઠેના વિસ્તારમાં રહેતી પરિણીતાને ગતરોજ સહારા દરવાજા સ્થિત આવેલ સ્મીમેર હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. બાળક ખોડખાપણ હોવાનું ડોક્ટરે પતિને જણાવતાં પતિએ સ્મીમેર હોસ્પિટલમાં બાળક અદલા બદલીની શંકા વ્યક્ત કરતા મામલો અવઢવમાં મુકાઇ ગયો હતો. વધુમાં પતિ સાજીદે જણાવ્યું હતું કે અમને હોસ્પિટલવાળા પર ભરોસો નથી, એ લોકો ધોખેબાજ છે, એ લોકોએ જ અમારા બાળકની અદલાબદલી કરી નાંખી છે અને અમને અપંગ બાળક આપ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં બે વાર સોનોગ્રાફિ સહિતની રિપોર્ટ કરાવેલી હતી. જેમાં ડોક્ટરોએ જ બાળક સ્વસ્થ હોવાનું કહ્યું હતું, તો પછી જન્મ બાદ ખોડખાપણ કઇ રીતે હોઇ શકે ? અમને બહારથી ડીએનએ ટેસ્ટ કરાવવું છે. સ્મીમેર હોસ્પિટલમાં બાળક અદલાબદલીની શંકા કુશંકાઓ વચ્ચે બાળકના પરિવાજનોએ પ્રશ્નો ઉભા કરી આ રીતેની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાઠેના વિસ્તારમાં આવેલા પંચશીલ નગરમાં રહેતા સાજીદભાઇ સિદ્દીકની પત્ની મુમતાઝબેનએ ગુરૂવારે સવારે સ્મીમેર હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરીથી બાળકને આપ્યો હતો. જોકે, ત્યારબાદ પતિ તથા સાસુ સહિત પરિવારજનોએ તેમનો બાળક બદલી દેવાનો આક્ષેપ કરી હોબાળો મચાવતા ગાયનેક વિભાગના ડોક્ટર, આરએમઓ અને નર્સિંગ સ્ટાફ દોડતા થઇ ગયા હતા. પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે,તેમને બાળક હોસ્પિટલના સ્ટાફે બદલી નાંખ્યો છે. તેમને અન્ય કોઇ મહિલાએ જન્મ આપેલ અપંગ બાળકી સોંપી દેવામાં આવી છે. મુમતાઝબેનના સાસુ સાયરાબેનએ જણાવ્યું હતું કે, શરૂઆતથી જ તેણીના સ્મીમેર હોસ્પિટલમાં તપાસ ચાલી રહી હતી. સાતમાં મહિને મુમતાઝની સોનોગ્રાફિ સહિતની તપાસોકરવામાં આવી હતી, ત્યાર બાદ પરમ દિવસે પણ તેની સોનોગ્રાફિ સહિતની તપાસ કરાવવામાં આવતા ત્યારે પણ ડોક્ટરોએ બધું સારું હોવાનું કહ્યું હતું, તો પછી જન્મ બાદ તેમનું બાળક કઇ રીતે અપંગ કે ખોડખાપણવાળું ? હોસ્પિટલના સ્ટાફે જ બાળકને બદલી નાંખ્યું છે. અમને તેના ઉપર ભરોસો નથી અમને બહારથી ડીએનએ તપાસ કરાવવી છે. ત્યારબાદ જે પણ રિપોર્ટ આવશે તે અમને માન્ય રહેશે. તેવી પરિવારજનોએ માંગણી કરી હોવાનું જાણવા મળે છે.