(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
જમ્મુ-કાશ્મીરમાં દેખાવકારને જીપ સાથે બાંધીને ફેરવવાના વિવાદ બાદ પોતાના સિનિયર અધિકારીઓ અને રાજકીય આકાઓની પ્રશંસા મેળવનારા સેનાના મેજર લીતુલ ગોગોઇ વિરૂદ્ધ હવે કાશ્મીરની મહિલા સાથે સંડોવતા શ્રીનગરની હોટલના વિવાદ બાદ શિસ્તભંગની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને તેનું કોર્ટમાર્શલ પણ થઇ શકે છે. અહેવાલો અનુસાર મેજર લીતુલ ગોગોઇને કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સેના દ્વારા રચાયેલા તપાસ દળે તેમને સ્થાનિક લોકોને આદેશ વિના ધમકાવવા અને ઓપરેશનલ એરિયામાં હોવા છતાં ફરજના સ્થળથી દૂર રહેવાના દોષિત ઠેરવ્યો છે. મેજર લીતુલ ગોગોઇને જમ્મુ-કાશ્મીર પોલીસે એક સ્થાનિક મહિલા સાથે ૨૩ મેના રોજ હિરાસતમાં લીધો હતો. તેના પર કથિત રીતે હોટલમાં રહેવા દરમિયાન મહિલા સ્ટાફ સાથે ઝઘડો કરવાનો આરોપ છે. કારણ કે, મહિલા સ્થાનિક હોવાથી તેને હોટલ રૂમમાં જતા ગોગોઇને અટકાવવામાં આવ્યો હતો.
આ ઘટના પહેલા શ્રીનગરની પેટાચૂંટણી દરમિયાન એક કાશ્મીરી નાગરિકને જીપ આગળ બાંધી માનવઢાલ બનાવવા માટે મેજર ગોગોઇની કટ્ટરવાદીઓ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સેના દ્વારા આ હીન કૃત્યની ભારે ટીકા થઇ હતી જ્યારે સોશિયલ મીડિયા પર પણ ભારે નિંદા થઇ હતી. બીજી તરફ સેના અને તેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ કૃત્યની પ્રશંસા કરાઇ હતી. જો કે, લોકોએ આને માનવ અધિકારનો ભંગ ગણાવ્યો હતો. મેજર ગોગોઇને ત્યારબાદ હીરો તરીકે જોવાતો હતો પણ થોડા દિવસોમાં જ હોટલમાં મહિલા સાથે પકડાતાં તેની સામે તપાસ કરવામાં આવી હતી. તાજેતરમાં જ આ કેસમાં ગોગોઇ સામે કોર્ટ ઓફ ઇન્કવાયરી બેસાડવામાં આવી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હોટલ સ્ટાફે ધમકી અને ઝઘડા છતાં સહમત થવાનો ઇન્કાર કર્યો હતો અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસે તેની સામે કાર્યવાહીના સંકેત આપ્યા હતા. મેજર ગોગોઇ દ્વારા કાશ્મીરી યુવકને જીપ સાથે બાંધી માનવઢાલ બનાવવામાં આવ્યો હતો ત્યારે આ બાબતને મીડિયામાં સારૂ એવું કવરેજ મળ્યું હતું પણ સેના પાસે ભારે વિરોધને પગલે તપાસ કરી શિસ્તભંગના પગલાં લેવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નહોતો જે અધિકારીએ એક યુવાનને જીપ આગળ બાંધી દેખાવકારો સામે વાહન દોડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ગોગોઇ પોતાના કૃત્યનો બચાવ કરતા કહ્યું હતું કે, તે તેની ફરજનો ભાગ હતો. મીડિયા સમક્ષ હીરો બનેલા મેજર લીતુલ ગોગોઇએ પોતાના ખુલાસામાં કહ્યું હતું કે, સલામતી વ્યવસ્થા જોવા માટે તે પોલીંગ બૂથ તરફ જઇ રહ્યો હતો અને ત્યારે કેટલાક લોકોએ અમારી તરફ પથ્થરમારો કર્યો હતો. બાદમાં દેખાવકારોએ અમારી તરફ પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકોને બચાવવા માટે મેં આ પગલું ભર્યું હતું. તે સમયે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહ અને અન્યોએ આ પગલાંને જીનિવા કન્વેન્શનનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. દરમિયાન સેનાના એક બ્રિગેડિયરની અધ્યક્ષતામાં સીઓઆ્રૂકોર્ટ ઓફ ઇન્કવાયરી) રચવામાં આવી હતી. તપાસ દળે આ મામલે આરોપી મેજર ગોગોઇનું નિવેદન નોંધ્યું હતું. સંબંધિત દસ્તાવેજોની તપાસ ઉપરાંત અન્ય આર્મી અધિકારીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. બીજી તરફ ૩૧મી મેએ જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરની અદાલતમાં પોતાના સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું હતું કે, ગોગોઇ વિરૂદ્ધ કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી. કેમ કે હોટલના માલિક અને યુવતીએ તેમની વિરૂદ્ધ કોઇ ફરિયાદ નોંધાવી નથી. બીજી તરફ ૨૬મી મેએ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પહલગામમાં જણાવ્યું હતું કે, જો મેજર ગોગોઇએ કાંઇ ખોટું કર્યું છે તો હું તમને વિશ્વાસ અપાવું છું કે, તેને સજા આપવામાં આવશે. સજા પણ એવી હશે તે તે ઉદાહરણ બનશે.