Editorial Articles

જૂની નોટોને ગેરકાયદેસર રીતે નવી નોટોમાં કેવી રીતે બદલવામાં આવે છે

– પૂનમ અગ્રવાલ

ધ ક્વિંટએ એક ઉદ્યોગપતિ કે જેઓએ ચલણ રદ કરવાની જાહેરાત પછી એક નવો વ્યવસાય શરૂ કર્યો છે તેની સાથે વાત કરી હતી. આ વેપારી કમિશન લઈને રદ કરવામાં આવેલી જૂની નોટોનું નવી નોટોમાં ‘રૂપાંતર’ કરી આપે છે.

આ વાર્તામાં આપણે આ ઉદ્યોગપતિને હેપ્પી સિંહ તરીકે ઓળખશંુ. આ વ્યક્તિએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખવાની શરતે દેશભરમાં ચાલી રહેલા આ કૌભાંડની વિગતો અમારી સાથે શેર કરવા માટે સંમત થયા હતા. આ વિડિઓમાં હેપ્પી સિંહ ધ ક્વિંટના એક કર્મચારીને વિગતવાર દર્શાવે છે કે તેઓ કેવી રીતે આ ગેરકાયદેસર કામ કરે છે અને તેની સાથે બેંકના કર્મચારીઓ કેવી રીતે સંડોવાયેલા છે.

સિંહે જણાવ્યું હતું કે ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટો ચલણમાંથી રદ કરવામાં આવી એ પછીના વિવિધ તબક્કે પરિસ્થિતિ મુજબ જૂની નોટોને નવી નોટોમાં તબદીલ કરવા માટેનું કમિશન ૧૦%થી લઈને ૫૦% વચ્ચે રહે છે અને આઘાતજનક વાત એ છે કે તેમણે એવો પણ દાવો કર્યો છે કે બધી જ બેંકો અને બેંક શાખાઓનો સમગ્ર સ્ટાફ પણ આ કૌભાંડમાં સામેલ છે.

અહીં હેપ્પી સિંહ સાથે અમારા ખબરપત્રી દ્વારા કરવામાં આવેલ વાતચીતના અમુક અંશો આપવામાં આવ્યા છે.

રિપોર્ટર : ‘તમે કેટલા સમયથી આ કામ કરો છો ? અને તમે આજ સુધીમાં કેટલી નોટો બદલી આપી છે ?

સિંહ : જે દિવસથી ચલણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી એ દિવસથી જ મે આ કામ શરૂ કર્યું હતું. મે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા બદલી આપ્યા છે અને હું માત્ર બે-ત્રણ કલાકમાં આ કામ કરી આપું છું અને હું મારી પાસે કોઈપણ પ્રકારના નાણાંં રાખતો જ નથી.

રિપોર્ટર : તમે મને શરૂઆતથી આ વિશે વાત કરશો ?

સિંહ : પ્રથમ તો શરૂઆતમાં જ મેં ૧૩ છોકરાઓ કામ પર રાખ્યા હતા જેઓને હું ૫૦૦ રૂપિયા બેંકોની કતારમાં ઊભા રહેવા માટે ચૂકવતો હતો અને ૪,૫૦૦ રૂપિયાની નોટો બદલાવી આપતો હતો અને તે માટે હું પાર્ટી પાસેથી ૩૦% કમિશન લેતો હતો. પરંતુ અમુક સમય પછી આ છોકરાઓ સ્માર્ટ થઈ ગયા હતા અને તેઓએ મારી પાસે બેંકની લાઇનમાં ઊભા રહેવા માટે વધારે પૈસાની માંગણી કરી હતી. પછી મે તેમને ૨૦% આપવાનું શરૂ કર્યું હતું અને મારા માટે માત્ર ૧૦% કમિશન રાખ્યું હતું. જો કે મને યાદ નથી કે આ રીતે મે કેટલા નાણાંં તબદીલ કર્યા છે. પરંતુ મે ૩૦% કમિશન સાથે કરોડો રૂપિયા કાઉન્ટર પર બદલાવ્યા છે.

‘તમામ ખાનગી બેંકો આ કૌભાંડમાં સામેલ છે’

હેપ્પી સિંહે અમને જણાવ્યું હતું કે છે દરેક ખાનગી બેંકો કમિશન દ્વારા જૂની નોટોને નવી નોટોમાં રૂપાંતર કરવામાં સામેલ છે અને બેંક મેનેજરો, જે આ રેકેટના માસ્ટર માઇન્ડ છે અને તેઓ પડદા પાછળ કામ કરે છે.

રિપોર્ટર : તમે બેંક મેનેજરો સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા ?

સિંહ : તમામ ખાનગી બેંકો આ કામ કરી રહી છે અને બેંકનો સમગ્ર સ્ટાફ આ કૌભાંડમાં સામેલ છે બેંક મેનેજર આ કૌભાંડ વિશે એક કર્મચારી કહે છે અને આ કર્મચારી તેના સંબંધીને આ વાત કહે છે અને આ સંબંધી તેના મિત્રોને આ વાત કહે છે અને આ રીતે એક સાંકળની રચના કરવામાં આવે છે અને હું આ સાંકળમાં ૧૦ બેંક મેનેજરોના સાથીઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. પરંતુ બેંકના મેનેજરો અમારી સાથે ક્યારેય સંપર્કમાં આવતા નથી. તેઓ ત્રીજી વ્યક્તિ દ્વારા અમારી સાથે વ્યવહાર કરે છે.

રિપોર્ટર : પરંતુ આ બેંકો જૂની નોટોનો હિસાબ કેવી રીતે રાખે છે ? અને આવી રીતે બેંકમાં આવેલી જૂની નોટો કોના ખાતામાં જમા કરવામાં આવે છે ?

સિંહ : અત્યારે કોણ આવા હિસાબ રાખે છે. કોઈ હમણાં આવા દસ્તાવેજીકરણ કરતું નથી. બધા લોકો પૈસા રૂપાંતર કરવામાં વ્યસ્ત છે. એક બેંક મેનેજરના સાથીએ મને કહ્યું હતું કે તેઓ બનાવટી એકાઉન્ટ્‌સ ખોલે છે અને તેમાં આ થાપણો જમા કરે છે. હાલમાં કોણ આ બધી તપાસ કરી રહ્યું છે ? આરબીઆઈ પાસે આવી તપાસ કરવા માટે પૂરતા કર્મચારીઓ જ નથી.

‘હવે દરેક લોકો નાણાંં બદલવાની રીત જાણી ગયા છે માટે કમિશન ૪૦%થી ઘટીને ૧૦% ટકા થઈ ગયું છે

હેપ્પી સિંહે અમને જણાવ્યું હતું કે ચલણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી એટલે કાળાં નાણાંં ધરાવતા લોકો અચાનક જાહેરાતથી ગભરાઈ ગયા હતા અને તેઓ અત્યંત ઝડપી રીતે તેમના નાણાંં સંતાડવાની જગ્યા માટે નજર દોડાવી રહ્યા હતા. શરૂઆતના સમયમાં નવી નોટોના પુરવઠાનો પણ અભાવ હતો માટે ‘પૈસા’ બદલી આપતા દલાલો અને બેંક મેનેજરો કમિશનના ઊંચા દરની માગણી કરતાં હતા અને તેઓ નોટો બદલી આપવા માટે ૩૦%થી લઈને ૪૦% સુધી કમિશન લેતા હતા. પરંતુ હવે નવી નોટોનો પુરવઠો બેંકોમાં આવી રહ્યો છે માટે હવે કમિશનના દર ઘટીને ૧૦% જેટલા નીચા થઈ ગયા છે.

રિપોર્ટર : શા માટે કમિશનની ટકાવારી ૪૦%થી ૧૦% સુધી ઘટી ગઈ છે ?

સિંહ : હવે બજારમાં નવી નોટો આવી ગઈ છે અને કોઈની પાસે અમુક લાખ રૂપિયા પણ હોય તો તેઓ પણ આ નાણાંં બદલવાનું કામ શરૂ કરે છે અને બધા બેંક મેનેજરો પણ આ રૂપાંતરમાં સામેલ છે. હવે, નોટો બદલવા માટે તૈયાર લોકોની સંખ્યા વધુ છે અને નોટો બદલવા ઇચ્છતા લોકોની સંખ્યા ઓછી છે માટે હવે કમિશન ઘટી ગયું છે.

‘આરબીઆઇની નાણાંં એક વાર જ ડિપોઝિટ કરવાની જાહેરાત પછી કમિશન ફરીથી ૫૦% થયું હતું

સરકાર દ્વારા તાજેતરમાં ૫,૦૦૦ રૂપિયાથી વધુ રકમ જૂની ચલણી નોટોમાં માત્ર એકવાર જ જમા કરાવી શકાય એવી જાહેરાત કરવામાં આવી હતી એ પછી બેનામી જૂની નોટો બદલવા માટે ફરી એક વાર કમિશન દરમાં વધારો થયો હતો અને તે ૪૦%થી ૫૦% સુધી પહોંચી ગયો હતો. આ જાહેરાત જે પાછળથી રદ કરવામાં આવી હતી.

સિંહે અમને એ પણ જણાવ્યું હતું કે કાયદાથી બચવા માટે, તે ક્યારેય તેની પાસે કોઈ પણ પ્રકારની નોટો રાખતો નથી. અને તે હંમેશા ૫ લાખ રૂપિયાના ગુણાકમાં પૈસા રૂપાંતરિત કરે છે અને એ પણ ખૂબ જ ઝડપી રીતે કામ કરે છે.

૧૭ ડિસેમ્બરના રોજ સરકારે અપ્રગટ આવક જાહેર માટે એક નવી યોજના રજૂ કરી હતી. તેની હેઠળ, જેઓ પોતાના કાળાંં નાણાંં જાહેર કરશે તેઓને ૫૦% કરની ચૂકવણી કરવી પડશે અને આ કાનૂની જાહેરાત કરનાર વ્યક્તિ પોતાની કુલ રકમના ૨૫% નાણાંં પોતાની પાસે રાખી શકશે અને બાકીના ૨૫% નાણાંંપ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ડિપોઝિટ કરવામાં આવશે અને આ નાણાંં જે તે વ્યક્તિને વ્યાજ વગર પાંચ વર્ષ પછી પરત કરવામાં આવશે.

પરંતુ સિંહ અમને સમજાવે છે કે કેવી રીતે લોકો સરળતાથી અને માત્ર ૧૦% કમિશન આપીને પોતાના કાળાંં નાણાંં અને જૂના નાણાંં નવી નોટોમાં રૂપાંતરિત કરે છે. એકવાર આ કાળાં નાણાંંને નવી નોટોમાં તબદીલ કરી દેવામાં આવે તે પછી ઓવરબિલિંગ જેવી વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરીને તેને ચલણમાં ફરતા કરી શકાય છે.

અને તેથી જ એવું લાગે છે કે સિંહ અને તેના જેવા મધ્યસ્થી અને ભ્રષ્ટ બેંક સ્ટાફને કારણે કાળાં નાણાંં પર મોદીની સર્જિકલ સ્ટ્રાઇક પર નોંધપાત્ર અસર પડી છે અને તેની અસરકારકતા ઘટી છે.

(સૌ. : ધ ક્વિંટ.કોમ)