હું ગાય, ગુજરાત, હિન્દુ અને હિન્દુત્વ બોલીશ; તમે શું કરી લેશો ?

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સીબીએફસીના ચેરમેન પહલાજ નિહલાનીને લેખિકા શોભાડેએ પડકાર આપતાં કહ્યું છે કે તે ગાય, રમખાણ અને હિન્દુત્વ જેવા શબ્દોનો ઉપયોગ કરશે. તેમનાથી થાય તે કરી લે. નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની ડોક્યુમેન્ટરીમાં સેન્સર બોર્ડે આ પ્રકારના શબ્દો કટ કરવા કહ્યું છે. સેન્સર બોર્ડે સુમન ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ એન આર્ગુમેન્ટેટીવ ઈન્ડિયનમાં ગાય, ગુજરાત, હિન્દુ અને હિન્દુત્વ જેવા શબ્દો પર આપત્તિ દર્શાવતા આ શબ્દોને હટાવવા કહ્યું છે. સેન્સર બોર્ડનું કહેવું છે કે આ શબ્દોના ઉપયોગથી દેશની છબિ ખરાબ થશે. આ મામલે શોભાડેએ સેન્સર બોર્ડને પડકાર આપતાં કહ્યું છે કે તેનું ગમે તે નામ હોય. પરંતુ હું તેમને જાહેરપત્ર નથી લખી રહી. માત્ર આટલું જ કહેવા માગું છું કે હું ગાય, રમખાણ, ગુજરાત, હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્ર જેવા શબ્દો બોલવાનો અધિકાર મારી પાસે જ રાખીશ અને મારા મન મરજી મુજબ તેનો ઉપયોગ કરીશ. તમે શું કરી લેશો ? વધુમાં શોભાડેએ જણાવ્યું હતું કે વાદ-વિવાદ કરવોએ ભારતીય સંસ્કૃતિની શાનદાર વસ્તુ છે. ભારતના લોકો ચર્ચા-વિચારણા કરવાનું પસંદ કરે છે અને આ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને રહેશે. તમે પણ વાદ-વિવાદ કરો, તમને કોઈએ રોક્યા નથી. તદુપરાંત શોભાડે એ લખ્યું છે કે અમુક લોકો અમર્ત્યસેન પર ગમે તે આરોપ મુકે પરંતુ તે ઈતિહાસ બદલી શકશે નહીં. આ મામલે અમર્ત્યસેને પણ મીડિયાને જણાવ્યું છે કે તે આ મુદ્દા પર ચર્ચા-વિચારણા કરવા માટે તૈયાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts