અમદાવાદ, તા.૧૬
રાજ્યસભાની ચૂંટણી પછી એવી અટકળો ચાલી રહી હતી કે, કોંગ્રેસ તરફથી અહમદ પટેલ ગુજરાતના CM પદના ઉમેદવાર બની શકે છે. જો કે આવી અટકળોને અહમદ પટેલે ફગાવી દીધી છે. અહમદ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રી (CM)પદના ઉમેદવારને લઈ કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. એટલું જ નહી, હું CM પદ માટેની હરિફાઈમાં નથી, એ પણ એટલું જ નક્કી છે.
અહમદ પટેલે જણાવ્યંુ હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં હું માત્ર એક સહયોગીની જ ભૂમિકા ભજવીશ. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ઉપર મારી સીધી નજર રહેશે અને કોંગ્રેસને જીતાડવા માટે હું મારા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરીશ. પરંતુ મુખ્યમંત્રી પદ કે સરકારમાં અન્ય કોઈપણ રીતે સક્રિય થવાનું મારું કોઈ આયોજન કે યોજના નથી. આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી ૧૨૫ બેઠક જીતવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ટૂંક સમયમાં પ્રચાર અભિયાન પણ શરૂ કરવામાં આવશે. જો કે અહમદ પટેલે આ પ્રચાર કેમ્પેઈનની કમાન તેઓ સંભાળશે નહીં તેમ પણ તેમણે કહ્યું હતું.
પટેલે વધુમાં કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાના પક્ષ છોડ્યા પછી હવે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર રાજ્ય સ્તરનો જ કોઈ નેતા હશે. જો કે આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. અત્યારે અમારી પ્રાથમિકતા પક્ષને એકજૂથ કરીને વિધાનસભાની ચૂંટણી લડવાની છે. તેમજ ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની પણ પક્ષની કોઈ યોજના નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અહમદ પટેલે સત્તાની લાલશા કદી રાખી નથી. અગાઉ પણ નરસિંહરાવની સરકારમાં અને રાજીવ ગાંધીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પદની ઓફર હોવા છતાં તેમણે વિનમ્રતાથી આ ઓફર ઠુકરાવી સંગઠનમાં રહેવાની જ અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાની લાગણી દર્શાવી હતી ત્યારે અહમદ પટેલ તેમના સ્વભાવ મુજબ મુખ્યમંત્રી બનવાનો વિચાર પણ ન કરી શકે તે નક્કી છે.