હું પગે પડીને ખુરશી લેવા નથી માંગતો મર્દાનગીથી ખુરશી લેવા માંગુ છું : અલ્પેશ ઠાકોર

હિંમતનગર, તા.૧૭
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી જાહેર થવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ રાજકીય સમિકરણો પણ બદલાતા જાય છે તેમજ આગામી સમયમાં મોટા બદલાવ સાથેની સંભાવનાઓ પણ વધતી જાય છે ત્યારે અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં રવિવારે હિંમતનગરમાં જનાદેશ સંમેલન યોજાયું હતું. રાજકારણમાં પ્રવેશવા લીધે સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ઠાકોર સેનાની મોતીપુરાથી વિશાળ બાઈકરેલી યોજાઈ હતી. જેમાં ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર સાથે જોડાયા હતા. જે રેલી લગભગ બે કિલોમીટર અંતરમાં ફરીને સહકાર હોલમાં જનાદેશ સંમેલનમાં ફેરવાઈ હતી. ત્યારબાદ તલવાર અને હાર દ્વારા અલ્પેશ ઠાકોરનું સ્વાગત બાદ જનાદેશ સંમેલનની કમાન સંભાળી હતી અને ઉપસ્થિત તમામ પાસે રાજનીતિમાં જવું કે ન જવું તેની સંમતિ માગી હતી. ઉપસ્થિત તમામે તાળીઓના ગડગડાટ સાથે સંમતિ આપી હતી. માગણીમાં બેરોજગારોને રોજગાર, શિક્ષણ અને ખેડૂતોને જરૂરિયાત ખેતીમાં પાણી આપે તેવી સરકાર જોઈએ છે જે આપણા વગર બને તેમ નથી એ હવે રાજકીય પાર્ટીઓને ખબર પડી ગઈ છે અને હું તમારા માટે લડુ છું. તમે જે કહો તે કરવા તૈયાર છું હું પગે પડીને ખુરશી લેવા નથી માગતો મર્દાનગીથી ખુરશી લેવા માગું છું અંતે લઈને જ રહીશું અને ૨૦૧૮માં આપણી જ સરકાર બનશે તેવો વિશ્વાસ ઉપસ્થિત લોકોને આપ્યો હતો. વધુમાં જણાવેલ કે, રાજકીય પ્રવેશને લઈને જનાદેશ સંમેલન યોજી રહ્યા છીએ અને અમને જનાધાર પણ મળે છે. અમે નવો કોઈ પક્ષ નહીં બનાવીએ અને બેમાંથી એક પક્ષમાં જોડાઇશ જે પક્ષમાં ઈમાનદાર ધારસભ્યો હશે અને ગાંધી, સરદાર અને આંબેડકરની વિચારધારાને અનુસરશે અને મજબૂતાઈથી આગળ લઇ જવાનો પ્રયત્ન કરશે તેની સાથે રહીશું. ઈવીએમ વિશે કઈ કહી ના શકું એમાંય ગરબડ સાંભળી છે અને ભરોસો પણ નથી રાખતો પણ ગુજરાતમાં ચૂંંટણી પંચ નિષ્પક્ષ ચૂંંટણી કરાવે તેવી વાત કરી હતી. સાથે સાથે તમામને પરિવાર સાથે અગામી ૯ ઓકટોમ્બરે ગાંધીનગર ખાતે યોજાનાર વિશાળ સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું હતું અને એ દિવસે કઈ પાર્ટીમાં જોડાવવું તેની જાહેરાત સંદર્ભે જિલ્લે જિલ્લે જનાદેશ સંમેલન યોજી રહ્યા છીએ અને તેમાં સંમતિ માગી રહ્યા છીએ. આમ ફરી એકવાર જમીન સ્તર સુધી ચાલતી ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા શક્તિ પ્રદર્શન કરી સત્તા અપાવવા રાજકીય પક્ષને વિશ્વાસ આપશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks