(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૭
આખી દુનિયા સામે બદનામ થઈ ચૂકેલો આતંકવાદી અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હવે નેતા બની ચૂંટણી રેલીઓ કરી રહ્યો છે. હદ તો ત્યારે થઈ કે પોતાની ચૂંટણી રેલીમાં પણ ભારતની વિરૂદ્ધ ઠેર-ઠેર ઝેર ઓકી રહ્યો છે અને વોટ મેળવવાનું ષડયંત્ર કરી રહ્યો છે. હાફિઝ સઈદને વોટની ભૂખ એટલી છે કે તેણે પાકિસ્તાનીઓની વચ્ચે એક ચૂંટણી રેલીમાં ભારત પર પરમાણુ બોમ્બથી હુમલો કરવા સુદ્ધાની ધમકી આપી દીધી છે.
એટલે કે હાફિઝ પોતાની નાપાક હરકતોથી ભારતને હચમચાવી ચૂકેલ હવે જ્યારે આખી દુનિયા સામે બેનકાબ થઈ ગયો છે અને ચારે બાજુથી તેના પર દબાણ વધ્યું છે તો તેણે ચૂંટણીમાં પોતાની સંગઠનની પાર્ટી ઉતારી દીધી છે. જો કે તેના સંગઠન જમાત-ઉદ-દાવાની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને ચૂંટણી પંચે રજિસ્ટર્ડ કરી નથી, ત્યારબાદ તેણે અલ્લાહ-હુ-અકબર નામની પાર્ટીથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. પોતાના ઉમેદવારો માટે હાફિઝ સઈદ સતત રેલીઓ કરી રહ્યો છે.
ફૈસલાબાદમાં હાફિઝે કરી રેલી
શુક્રવારના રોજ ફૈસલાબાદમાં ચૂંટણી રેલી કરી રહ્યો હતો. આ દરમ્યાન સઈદે કહ્યું કે, પાકિસ્તાનને તોડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ કામ માટે ભારત કોઈ શેખ મુજીબુર્રહમાનની રાહમાં છે. પોતાની રેલીમાં બલુચિસ્તાન અંગે હાફિઝ સઈદે કહ્યું કે, અમેરિકાથી લઈ ભારત સુધી તમામ ખોટા સમાચાર ફેલાવીને બલુચિસ્તાનના લોકોને ભડકાવી રહ્યા છે અને બલુચિસ્તાનને બાંગ્લાદેશના તર્જ પર પાકિસ્તાનથી તોડવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
પરમાણુ બોમ્બની આપી ધમકી
અગ્રણી મીડિયા રિપોટ્ર્સમાં દર્શાવ્યા પ્રમાણે પોતાની રેલીમાં પાકિસ્તાનના પરમાણુ બોમ્બ અને મિસાઈલોને લઈ પણ કુખ્યાત હાફિઝ સઈદ જોરદાર જૂઠું બોલ્યો. તેને કહ્યું કે પાકિસ્તાનની પાસે એવી તકનીક છે જે ભારતની સાથો સાથ અમેરિકા અને રૂસ સુધી પાકિસ્તાન સામે ઘૂંટણીએ ટેકવી દેશે. મિસાઈલ તકનીકના મામલામાં પાકિસ્તાનના આ બડબોલાએ એટલા સુદ્ધાં બકવાસ કર્યો કે ભારતની સાથો સાથ ઈઝરાયેલ દરેક દેશ પાકિસ્તાની મિસાઈલના નિશાના પર છે પરંતુ આ મિસાઈલો ક્યાં છે તેની કોઈ ભાળ પણ મેળવી શકે તેમ નથી. તદ્ઉપરાંત કહ્યું કે કાશ્મીર ભારતના હાથમાંથી છૂટી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૨પમી જુલાઈના રોજ નેશનલ એન્ડ પ્રિવેન્શિયલ એસેમ્બલીની ચૂંટણી થઈ રહી છે, તેમાં હાફિઝ સઈદ સમર્થિત અલ્લાહ-હુ-અકબર પાર્ટીના ૨૦૦થી વધુ સભ્યો ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમાં હાફિઝ સઈદનો દીકરો તલ્હા અને જમાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે.