પાટણ,તા.૭
પાટણના ધારાસભ્ય ડો.કિરીટ સી. પટેલ ઉપર આજે સવારના સમયે ભાજપના બે અગ્રણીઓ દ્વારા હુમલાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ધટનાને પગલે ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બાદમાં આ બંને ભાજપા અગ્રણીઓની પોલીસે અટકાયત કરી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. આ ઘટનાની જાણ થતા ડો.કિરીટ પટેલના સમર્થકો, રાજકીય કાર્યકરો વિ. તેઓની ઓફિસે દોડી આવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે ગતરોજ હેમ.ઉ.ગુ.યુનિ.ના કુલપતિને લોકાયુક્તના અહેવાલના પગલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા હોદ્દા ઉપરથી દુર કરવમાાં આવતા યુનિ.માં હડકંપ મચી ગયો હતો ત્યારે આજે સવારના ૧૧ વાગ્યાની આસપાસ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ રાજમહેલ રોડ ઉપર વિશ્વાસ કોમ્પલેક્ષમાં આવેલી પોતાની ઓફિસમાં હતા. તે દરમિયાન ગતરોજ કુલપતિને હોદ્દા ઉપરથી દુર કરવાના મામલે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યું આપી રહ્યા હતા. તે દરમિયાન યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર શૈલેષ પટેલ અને પાલિકાના કોર્પોરેટર અને સેનેટ સભ્ય તેમજ પટેલ ડો.કિરીટ પટેલના કાર્યાલયમાં જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને થોડીક ઝપાઝપી થતા ત્યાં ઉભેલા લોકોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંનેને દુર કર્યા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ઉપર હુમલાના પ્રયાસના સમાચાર ટીવી ચેનલોમાં પ્રસિદ્ધ થતાં તેઓના સમર્થકો, રાજકીય કાર્યકરો વિ. કાર્યાલય ઉપર દોડી આવ્યા હતા અને ઘટનાના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે લોકોના ટોળાઓને વિખેરી દઈ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ બનાવના પગલે ‘બી’ ડિવિઝન પોલીસે ડો.કિરીટ પટેલની ફરિયાદ આધારે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ ધારાસભ્ય ઉપર હુમલાના પ્રયાસના સમાચારના પગલે પોલીસે ભાજપાના અગ્રણી શૈલેષ પટેલ અને મનોજ પટેલની યુનિ. ખાતેથી અટકાયત કરી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.
ભાજપાના ઈશારે મારા ઉપર હુમલાનો પ્રયાસ થયો : કિરીટ પટેલ
પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પોતાના ઉપર થયેલા હુમલા અંગે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ગતરોજ યુનિ.ના કુલપતિને હોદ્દા ઉપરથી દુર કરવાના મુખ્યમંત્રીના નિર્ણય બાદ ભ્રષ્ટાચારી કુલપતિને બચાવવા માટે ભાજપાના ઈશારે શૈલેષ પટેલ અને મનોજ પટેલે મારી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે. તેઓએ મને કહેલ કે તમે કેમ અરજીઓ કરો છો. શા માટે આક્ષેપો કરો છો. અમો તમોને છોડીશું નહીં. તમોને જાનથી મારી નાખીશું તેમ જણાવતા મેં કહેલ કે આ નિર્ણય તમારી સરકારે કર્યો છે મુખ્યમંત્રીનો નિર્ણય છે. તમે ત્યાં જઈ રજૂઆત કરો તેમ કહેવા છતાં પણ તેઓએ મારા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મેં હાલમાં આ બંને વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એસીબીએ મારી વિરૂદ્ધ કોઈ જ પગલા લીધા નથી : શૈલેષ પટેલ
પાટણના ધારાસભ્ય ઉપર હુમલાના પ્રયાસ મામલે યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય શૈલેષ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, મેં અખબારી અહેવાલથી જાણ્યું કે, ૧૦ કરોડના ભ્રષ્ટાચાર મામલે કિરીટ પટેલે એસીબીમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદ મામલે હજુ સુધી એસીબીએ મારૂ કોઈ નિવેદન કે એકશન લીધા નથી. ફરિયાદમાં મારો કોઈ ઉલ્લેખ પણ નથી. આજે જ્યારે હું વિશ્વાસ કોમ્પલેક્ષ આગળ જતો હતો ત્યારે કિરીટ પટેલ અને મારી વચ્ચે બોલાચાલી થઈ હતી અને મને ગાળો બોલી હતી.