‘હું પોતે માંસાહારી છું, ભોજન બધાની પસંદની બાબત’ : મોદીના વરિષ્ઠ મંત્રી વેંકૈયા નાયડુ

(એજન્સી)              નવી દિલ્હી, તા.૭

દેશમાં બીફ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, હું પોતે માંસાહારી છું અને ભોજન દરેક વ્યક્તિની પસંદગીનો વિષય છે. તેમણે એવા આરોપોને ફગાવી દીધા હતા કે, ભાજપ દરેક દેશવાસીને શાકાહારી બનાવવા માગે છે. મુંબઇમાં ઔપચારિક પત્રકાર પરિષદ પહેલા પત્રકારોને  સંબોધતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, કેટલાક પાગલ લોકો એવી વાતોે કરી રહ્યા છે કે, ભાજપ બધાને શાકાહારી બનાવવા માગે છે. આ બાબત લોકોની પસંદગીની છે કે, તેઓ શું ખાવા માગે છે અને શું નથી ખાવા માગતા.  તેમણે કહ્યું કે, આ મુદ્દે રાજનીતિ થઇ રહી છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, એક રાજકીય પાર્ટીએ ટિપ્પણી કરી હતી કે, ભાજપ બધાને શાકાહારી બનાવવા માગે છે અને આ અંગે એક ટીવી ડિબેટ પણ થઇ ગઇ હતી. મેં મારા પત્રકાર મિત્રોને જણાવ્યું કે, હું હૈદરાબાદમાં ભાજપનો રાજ્ય પ્રમુખ હતો અને હું પોતે માંસાહારી છું તેમ છતાં હું ભાજપનો અધ્યક્ષ બન્યો હતો. ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ સામેલ છે તેઓ શાકાહારી છે તેઓ નવરાત્રીમાં વ્રત પણ રાખે છે. તેમણે કહ્યું કે, ખાવાની પસંદ લોકોનો મૌલિક અધિકાર છે અને તેઓ પોતાની પસંદનું ભોજન લઇ શકે છે. નાયડુએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પશુઓની ખરીદ-વેચાણ અંગે નવો કાયદો બનાવ્યો છે જેનો ઇરાદો પશુઓના ગેરકાયદે ખરીદ-વેચાણ પર પાબંદી લાગે જેથી તેમને બહાર કાપવામાં ન આવે. પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યમંંત્રીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને લોકોની ખાવાની પસંદ પર હસ્તક્ષેપ ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકાર લોકોની ખાણી-પીણી પર પાબંદી લગાવવા માગે છે. નિર્ણયના વિરોધમાં કેરળ તથા તમિલનાડુના ઘણા ભાગોમાં બીફ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવાદ એટલો વકર્યો કે, પૂર્વોત્તરના રાજ્યોમાંથી ભાજપના બે નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ નેતાઓએ કેન્દ્ર સરકારના નિર્ણયને તેમની સંસ્કૃતિ અને ખાવાની પરંપરા પર હુમલો ગણાવ્યો હતો. દરમિયાન મદ્રાસ હાઇકોર્ટમાં પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો હતો. અરજી પર સુનાવણી કરતા મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમના વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું અને રાજ્યમાં આ નિર્ણય પર ચાર સપ્તાહ સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. નાયડુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણ મંત્રાલય જે નિયમ લઇને આવ્યું છે તેનો હેતુ લોકોની ખાવા પીવાની ટેવોમાં ફેરફાર કરવાનો નથી પરંતુ નવો નિયમ પશુઓ પર બર્બરતા રોકવા માટે લાવવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts