નવી દિલ્હી, તા.ર૪
તાજેતરમાં લાઉડસ્પીકર્સ પર અઝાન આપવા બાબતે દેશભરમાં જાગેલી ચર્ચા અંગે કોંગ્રેસના વરિષ્ઠ અને બિનવિવાદાસ્પદ રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલે આ બાબતે આજે જણાવ્યું હતું કે મારા અઝાન, લાઉડસ્પીકર અંગેના એપ્રિલ ૧૮,ર૦૧૭ના રોજના ટ્વીટ બાબતે થયેલ ગેરસમજ બાબતે ઘણા લોકોએ ટિ્વટર, ફેસબૂક, વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા પોતાના મંતવ્યો જણાવ્યા હતા. જ્યારે મેં એમ કહ્યું હતું લાઉડ સ્પીકર નમાઝનો હિસ્સો નથી એનો અર્થ એ નથી કે અઝાનમાં થતા લાઉડ સ્પીકરના ઉપયોગનો હું વિરોધી છું, અથવા જેમણે અઝાનના સંદર્ભમાં ટ્વીટ કરીને ગુંડાગર્દી શબ્દનો ઉપયોગ કર્યો હતો તેમનો સમર્થક છું. મારા અંગત મંતવ્ય પ્રમાણે કેટલીક વખત લાઉડ સ્પીકરના બિનજરૂરી ઉપયોગ અંગે, સમાજને યોગ્ય લાગે તો સ્વૈચ્છિક રીતે આ અંગે યોગ્ય દૃષ્ટિબિંદુ કેળવવું જોઈએ. ભારત દેશના બંધારણે પ્રત્યેક વ્યક્તિને પોતાની મરજી મુજબનો ધર્મ પાળવાનો અધિકાર આપ્યો છે. આ અધિકાર અને તેના જતન માટેના મારા સંકલ્પમાં હું અડગ છું અને તેને દુનિયાની કોઈપણ તાકાત ડગાવી શકે તેમ નથી. પછી આ તાકાત ગમે તેવી પ્રભાવશાળી કે શક્તિશાળી કેમ ના હોય.