Ahmedabad

આઈ.કે.જાડેજાની ટિકિટ કપાતા સમર્થકોની કમલમ્‌ ખાતે રજૂઆત

અમદાવાદ,તા.૧૮
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તેના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી ગઇકાલે જાહેર કરાયા બાદ રાજયમાં કેટલાક સ્થળોએ બળવા અને વિરોધના સૂર ઉઠયા છે. જેમાં વઢવાણ બેઠક પરથી ભાજપના સિનિયર નેતા અને પ્રવકતાથી લઇ મંત્રીપદ સુધીની પક્ષમાં મહત્વની જવાબદારીઓ સંભાળનાર આઇ.કે.જાડેજાને ટિકિટ નહી અપાતાં તેમના હજારો સમર્થકો અને ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. જેને પગલે આજે હળવદ, ધ્રાંગધ્રા, વઢવાણ સહિતના સ્થાનિક વિસ્તારોમાં ૫૦૦થી વધુ ભાજપના કાર્યકરો તેમના નેતા આઇ.કે.જાડેજાને ટિકિટ ફાળવવાની ઉગ્ર માંગણી સાથે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે પહોંચ્યા હતા. જયાં તેમણે એક સૂરે આઇ.કે.જાડેજાને હવે ધ્રાંગધ્રા બેઠક પરથી ટિકિટ ફાળવવા માંગણી કરી હતી. ભાજપ દ્વારા ગઇકાલે ઉમેદવારોની જાહેર કરાયેલી પહેલી યાદીમાં વઢવાણ બેઠક પરથી વર્ષા દોશીની ટિકિટ કાપી તેમના સ્થાને ધનજીભાઇ પટેલને ટિકિટ ફાળવવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક ભાજપના કાર્યકરો ખૂબ રોષે ભરાયા હતા. કારણ કે, આ બેઠક પરથી આઇ.કે.જાડેજાને ટિકિટ ફાળવાશે તેવું મનાતુ હતું પરંતુ તેઓની આશા ઠગારી નીવડતાં સેંકડો કાર્યકરોમાં આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. આજે હળવદ, ધ્રાંગધ્રા, વઢવાણ સહિતના ક્ષેત્રોના ભાજપના ૫૦૦થી વધુ કાર્યકરો અને આઇ.કે.જાડેજાના ચુસ્ત સમર્થકો-ટેકેદારો સહિતના સ્થાનિક નાગરિકો ગાંધીનગર કમલમ્‌ ખાતે પહોંચ્યા હતા અને આઇ.કે.જાડેજાને ટિકિટ ફાળવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. તમામ કાર્યકરોએ એક સૂરે જણાવ્યું હતું કે, જાડેજાએ ધારાસભ્ય તરીકે સ્થાનિક નાગરિકોના પ્રશ્નો હલ કર્યા છે. એટલું જ નહી, ભાજપનું સંગઠન મજબૂત બનાવવામાં જાડેજાનો સિંહફાળો રહ્યો છે ત્યારે તેમની આ પ્રકારે ઉપેક્ષાથી અમો કાર્યકરોમાં ભારોભાર નારાજગી છે. આ યાદીમાં વઢવાણ બેઠક પરથી આઇ,કે.જાડેજાનું નામ જાહેર થવું જોઇતું હતું પરંતુ ટિકિટ ધનજી પટેલને ફાળવી દેવાઇ છે. તેથી હવે બીજી યાદીમાં જો ધ્રાંગધ્રા બેઠક પરથી આઇ.કે.જાડેજાને ટિકિટ ના ફાળવાય તો તેમનું પત્તુ કપાઇ જાય અને તે અમે કોઇ રીતે સાંખી શકીશું નહી.