Ahmedabad

નિત્યાનંદ સાથે સાંઠગાંઠ ધરાવતા IAS અધિકારી સામે તપાસના આદેશ

અમદાવાદ, તા.ર૧
અમદાવાદના હાથીજણ નજીક હીરાપુરમાં નિત્યાનંદ આશ્રમ સ્થાપવા ગુજરાતના એક વગદાર આઈએએસ અધિકારીએ મદદ કરી હતી. જો કે પોલીસે તપાસ દરમિયાન આ આઈએએસ અધિકારીનું નામ આપ્યું નથી, પણ કોંગ્રેસના એક ટોચના નેતાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે આ આઈએએસ અધિકારી નિત્યાનંદને બચાવી રહ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પછી મુખ્ય સચિવ જે.એન.સિંહને આઈએએસ અધિકારીની નિત્યાનંદ સાથેની સાંઠગાંઠનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. આધ્યાત્મક ગુરુની બિનજરૂરી ફેવર કરવા આઈએએસ અધિકારીએ પદનો દુરુપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ કરવા પર મુખ્ય સચિવને જણાવાયું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસે સારી કામગીરી કરી છે. પરંતુ એક આઈએએસ અધિકારી નિત્યાનંદને બચાવી રહ્યા છે એ આઘાતજનક છે. આ આઈએએસ અધિકારી સ્વામીના ભકત છે અને એથી તે સ્વામી અને ડીપીએસને બચાવી રહ્યા છે. હું ગુજરાતના મીડિયાને આપણા બાળકોની સલામતી ખાતર ઉઘાડા પાડવા અનુરોધ કરું છું. આઈએએસ અને આઈપીએસ લોબીમાં કાનાફૂસી થઈ રહી છે કે આ અધિકારીએ ૨૦૧૪માં નિત્યાનંદને ૨૫ કિલો સોનુ આપ્યું હતું. અમદાવાદમાં નિત્યાનંદનો આશ્રમ સ્થાપવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અધિકારી વડોદરા જિલ્લામાં નોકરી કરતા હતા ત્યારે તેમણે અન્ય ધાર્મિક સંપ્રદાય દ્વારા છ એકર જમીન ખરીદવામાં પણ મદદ કરી હોવાનું ચર્ચાય છે.