સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્માના બંગલામાં ચોરી

અમદાવાદ,તા.૨૮
કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઇએએસ પ્રદીપ શર્માના ગાંધીનગરના સેક્ટર-૧માં આવેલા બંગલામાં ચોરીની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા હાલમાં ભાવનગર હોવાથી ચોરીની રકમનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો નથી. ચોરીના આ બનાવ અંગે સેક્ટર-૭ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માના બંગલામાં ચોરીના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત કેડરના સસ્પેન્ડેડ આઇએએસ પ્રદીપ શર્માનું ગાંધીનગર સેક્ટર-૧માં સી પ્લોટમાં મકાન આવેલ છે. તેમના મકાનની પાસે છાપરામાં રહેતા રામજીભાઇ મુંજવા પ્રદીપ શર્માના મકાનની પાંચ વર્ષથી દેખરેખ રાખે છે. ગઇકાલે વહેલી સવારે રામજીભાઇ મકાન પર ગયા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો. મકાનમાં ચોરી થઇ હોવાની જાણ પ્રદીપ શર્માના ઘેર રસોઇ બનાવતાં પુષ્પાબહેન અને તેમના ભાઇને કરી હતી. મકાનમાં જોતાં બેઠકરૂમ અને અન્ય રૂમમાં સરસામાન વેરવિખેર હતો. ઉપરના માળે આવેલા રૂમમાં પણ સામાન વેરવિખેર હતો. જેથી ચોરીના સમગ્ર બનાવ અંગે પ્રદીપ શર્માનાં અમદાવાદ રહેતાં નીલમબહેનને જાણ કરાઇ હતી. નીલમબહેન અને તેમના પતિ ગાંધીનગર દોડી આવ્યાં હતાં. ઘરમાંથી દર-દાગીના અને કેટલી રકમની ચોરી થઇ તેની માહિતી રામજીભાઇ કે તેમનાં બહેન-બનેવીને નહોતી. પ્રદીપ શર્મા હાલમાં ભાવનગર જેલમાં બંધ હોવાથી તેમના ઘરમાં કેટલી વસ્તુની ચોરી થઇ હોવાની માહિતી ન હોઇ સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં માત્ર ચોરી થઇ હોવાનો ઉલ્લેખ કરાયો છે. સેકટર-૭ પોલીસે હાલ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ આઈએએસ પ્રદીપ શર્મા સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ એસીબી દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત ઈડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ પણ કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks