
(સંવાદદાતા દ્વારા)
ઈડર,તા.૧૭
ઈડરમાં કેટલાક અટકચાળા તત્વોએ લઘુમતી વિસ્તારમાં ત્રણ મોટરસાઈકલ અને એક મારૂતિને સ્ફોટક પદાર્થ નાખી સળગાવી નાખતા ચકચાર મચી જવા પામી છે.
કેન્દ્રમાં ભાજપ સરકાર આરૂઢ થયા બાદ કટ્ટરવાદી તત્વો બેફામ બન્યા છે. કહેવાતા ગૌરક્ષકોએ તો અનેક મુસ્લિમો પર જીવલેણ હુમલાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. ટ્રેનોમાં, બસોમાં કે વાહનોમાં મુસાફરી કરતા મુસ્લિમોને તેમના પહેરવેશ દાઢી-ટોપી જોઈને આવા તત્વો કોઈપણ નજીવા બહાને તકરાર કરી હુમલો કરી બેસે છે. આવા તત્વોને કેટલાક લોકોએ છાવરવાનું કામ કરતા તેઓ બેફામ બન્યા છે. આવા તત્વો મુસ્લિમોને ઉશ્કેરીને સાંપ્રદાયિક તણાવ ઉભો કરી પોતાની મેલી મંશા પૂરી કરવા તત્પર બન્યા છે જો કે સમજુ મુસ્લિમોએ સંયમ અને ધીરજ રાખી આવા તત્વોની નાપાક ચેષ્ટાને નિષ્ફળ બનાવી છે. પરંતુ આવા તત્વો કોઈને કોઈ બહાને મુસ્લિમોને હેરાન પરેશાન કરી રહ્યા છે. આવો જ એક બનાવ ઈડરમાં બનવા પામ્યો છે. ગતરાત્રીના સવા ત્રણ વાગ્યાના સુમારે વસીમ જાન મોહમ્મદની એકટીવા નં. જી.જે. ૦૯-૬૬રર, બીજી એકટીવા નં.જી.જે.૯ સીટી ૮૪૮પ, ઈમરાનભાઈ હાફજેલભાઈ ઉનવાળા તથા તેમની બાઈક નં.જી.જે. ૦૭ સીબી ૩૮૧૯ જેઓએ તેમના મકાન આગ ઉપરોકત ગાડીઓ પાર્ક કરી હતી. ઉપરાંત કાદરભાઈ ભુતીયાવાળાની ઈકો મારૂતિ જી.જે.૧ર કે.કયુ. ૧પ૭૮ને શહેરનું શાંતિનું વાતાવરણ ડહોળવા માગતા તત્વોએ જવલનશીપ પદાર્થ રેડી સળગાવી નાખી હતી. જેની જાણ સવારે વિસ્તારના લોકોને થતા લોકો ભેગા થઈ ગયા હતા અને આ કૃત્ય જાણી જોઈને કરાયું હોય તેવી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કોમી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હોવાનો લોકો કહી રહ્યા હતા.જો કે મુસ્લિમ સમાજે ધીરજ અને સંયમ દાખવતા કોઈ અઘટિત ઘટના બની ન હતી. આ અગાઉ ચૂંટણી વખતે સાંપ્રદાયિક તનાવ પેદા કરવા કટ્ટરવાદી તત્વોએ કેટલીક દુકાનોમાં આગ ચાંપી દીધી હતી.