GST (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ)ના અમલીકરણને વધાવવા સંસદને નવોઢાની જેમ શણગારાઇ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ સુધારાયેલા કરમાળખા જીએસટી(ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ)નું સંસદના સેન્ટ્રલ હોલમાં અમલીકરણ કરવામાં આવ્યંુ હતું જેમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ હતી. આ ઉપરાંત મોટી સિતારાઓ તથા દિગ્ગજ ભાજપી નેતાઓ પણ હાજર રહ્યા હતા. દેશના આર્થિક વિકાસ માટે ૩૦ જુન ૨૦૧૭ શુક્રવારનો દિવસ ઐતિહાસિક બની રહ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટા કર સુધારા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લીલી ઝંડી દેખાડાઇ હતી. દેશની આઝાદી બાદ આ સૌથી મોટો કર સુધારો છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ આને આર્થિક આઝાદી ગણાવ્યો છે.
જીેસટી લોન્ચિંગના પ્રસંગે સંસદમાં વિશેષ સત્ર તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અડધી રાતે રાષ્ટ્રપતિની હાજરીમાં જીએસટીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે જાણીતી હસ્તીઓ પણ સંસદમાં હાજર રહી હતી. કેબીનેટ મંત્રીઓ, દિગ્ગજ નેતાઓ તથા બોલિવૂડના સિતારાઓ સહિત ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. રાતે ૧૧.૦૦ કલાકેથી કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને ૧૨.૦૦ના ટકોરે જીએસટીને લાગુ કરી દેવામાં આવ્યો હતો. જીએસટી લાગુ કરવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર સંસદને નવોઢાની જેમ શણગારવામાં આવી હતી. મંચ પર કુલ છ ખુરશીઓ હતી જેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તથા સરકારના ટોચના મંત્રીઓ બિરાજમાન થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણા પ્રધાન અરૂણ જેટલીની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના કરમાળખાને મોબાઇલ સાથે જોડવા માટે વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિએ એપને પણ જારી કરી હતી. રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ મંચ પર હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા પૂર્વ નાણામંત્રી યશવંત સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસદમાં આશરે ૧૫૦૦ લોકો હાજર રહ્યા હતા.