ગુજરાતમાં ૪૦ લાખથી વધુ બેરોજગારો તેઓને રોજી આપો અથવા બેરોજગારી ભથ્થું

ભાજપે ૧૯૮૮માં રોજગાર અધિકાર સંઘના નામે રોજગાર આંદોલન પેટે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા

ભાજપ સરકાર ર૦થી વધુ વર્ષથી સત્તામાં હોવા છતાં  રોજગારી આપવામાં નિષ્ફળ : ડો. મનિષ દોશી

 

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૬

ગુજરાતમાં શિક્ષિત રોજગાર કે જે નોંધાયેલા છે તેમની સંખ્યા  ૧૬ લાખ અને ન નોંધાયેલા હોય તેવા ૪૦ લાખ યુવાનોને રોજગારી આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. ભાજપે ૧૯૮૮માં રોજગાર અધિકાર સંઘના નેજા હેઠળ  ૮પ ટકા સ્થાનિકોને નોકરી, બેરોજગાર ભથ્થું વય મર્યાદામાં છુટછાટ સહિતના  મુદ્દે આંદોલન કર્યું હતું. તેમાં આંદોલન કરનારાઓને તો રોજગારી મળી ગઈ પણ  ગુજરાતના યુવાનોને મોંઘા શિક્ષણ પછી રોજગાર સૌથી મોટી સમસ્યા છે. ભાજપ દ્વારા ગુજરાતના યુવાનો સાથે થયેલ છેતરપિંડી-વિશ્વાસઘાત માટે જવાબ માગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે લાખો રૂપિયા ડોનેશન અને ફી ચૂકવીને શિક્ષણ મેળવેલ યુવાનોને નોકરી મળે તે માટે રાજય સરકાર કોઈ નકકર પગલાં લેતી નથી. રાજય સરકારે ર૦૦૩-ર૦૦૪માં જાહેર કરેલ હતું કે લઘુઉદ્યોગના ક્ષેત્રમાં ૧૮૪પપ વ્યકિતને, ર૦૦પ-ર૦૦૬માં ૭૯૦૪૦ વ્યકિતઓને, ર૦૦૬-ર૦૦૭માં ૧,ર૦,૦૦૦ લોકોને, ર૦૦૭-ર૦૦૮ વાયબ્રન્ટના પરિણામે ૧૦ લાખ વ્યકિતઓને રોજગારી અને આઈટી ક્ષેત્રમાં ૩,રપ,૦૦૦ને રોજગારીની તક મળશે, જયારે ર૦૦૮-ર૦૦૯માં વાયબ્રન્ટમાં જંગીમૂડી રોકાણની દરખાસ્તનાં કારણે ર૧ લાખને સીધી રોજગારી અને ર૦૦૯-ર૦૧૦ મુજબ રપ લાખને સીધી રોજગારી આમ કુલ ૬૧.ર૪ લાખ યુવાનોને રોજગારી આપવાનો દાવો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પણ હકીકત સંપૂર્ણપણે વિપરીત છે ગુજરાતના તમામ સમાજના યુવાનોને રોજગારી માટે રસ્તા પર જનઆંદોલન કરવું પડે છે. રાજયમાં પ૦ લાખ યુવાનોને રોજગારી અથવા બેરોજગાર ભથ્થું આપવાની માંગ કરતા  ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા  રોજગાર અધિકાર સંઘના નામે ૧૯૮૮માં દરેક યુવાન પાસેથી એક રૂપીયા લેખે સભ્ય પદના નામે રોજગાર આંદોલન પેટે લાખો રૂપિયા એકત્ર કર્યા હતા. તે સમયે બેરોજગાર યુવાનોને ૪પ૦ રૂપિયા બેકારી ભથ્થું અને ગ્રામ્ય વિસ્તારમાં લઘુત્તમ વેતનના ધોરણે રપ૦ દિવસ રોજગારી, એકવાર બેરોજગાર તરીકે નોંધણી કરાવ્યા બાદ વય મર્યાદામાં સંપૂર્ણ છુટછાટ, ગુજરાતમાં એમ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ શરૂ કરવી, જેવા રૂપાળા વચનો આપ્યા બાદ આજે ર૦ વર્ષ કરતા વધુ સમયથી ભાજપ સરકાર સત્તામાં હોવા છતાં ગુજરાતના યુવાનો સાથે સંપૂર્ણ છેતરપિંડી અને ઓરમાયું વર્તન થયું છે અને ભાજપે કરેલા વાયદાઓ પ્રમાણે ગુજરાતના યુવાન-યુવતીઓને રોજગારી આપવામાં રાજયની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks