લખનઉ તા. ૧
યુપીમાં કોંગ્રેસે એસપી સાથે ગઠબંધનનો છેડો ફાડી નાખીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અલગ અલગ લડવાની જાહેરાત કરી છે. હજુ થોડા સમય પહેલા યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતા એવું કહેતા થાકતા નહોતા કે અમે સાથે સાથી છીએ પરંતુ હવે એવી નોબત આવી છે કે હમ આપકે હૈ કોન. કોંગ્રેસે રાજ્યમાં આગામી સ્થાનિક ચૂંટણીમાં પોતાની રીતે લડવાનો નિર્ણય કર્યો છે. શનિવારે દિલ્હીમાં યુપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પાર્ટી મહાસચિવ ગુલામ નબી આઝાદ, અને યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, બેઠકમાં હાજર રહેલા મોટાભાગના નેતાઓનો એવો મત હતો કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન યુપીની જનતાએ કોગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો સાથે પસંદ આવ્યો નથી તેથી દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પાર્ટીને ફરી વાર જીવંત કરવી હોય તો એકલે હાથે ચૂંટણી લડવા સિવાય કોઈ માર્ગ બચતો નથી. રાજ બબ્બરે કહ્યું કે અમે એવો નિર્ણય કર્યો છે કે આગામી નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈનો પણ સાથ લીધા વગર એકલે હાથે ચૂંટણી લડવાની છે. આ વાત સમાજવાદી પાર્ટી પર પણ લાગુ પડી શકે છે. અને કોઈને પણ સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. યુપી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસને ભૂંડી હારનો સામનો કરવાનો વખત આવ્યો હોવાથી એસપી સાથે છેડો ફાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ પાર્ટીના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું.