આજથી ગાંધીનગરમાં અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ
પ્રદૂષણની ચર્ચા પ્રદૂષણયુક્ત દિલ્હીને બદલે ગ્રીન સિટી ગાંધીનગર કરાશે.. ?
શહેરોમાં વધતા જતા પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યા સહિતના મુદ્દે ગાંધીનગરમાં આવતીકાલથી અર્બન મોબિલીટી કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ કોન્ફરન્સનો ર૦૦૮માં પ્રારંભ થયો ત્યારથી સતત ૮ વર્ષ દિલ્હીમાં જ યોજાતી આવી છે. આ વર્ષ પ્રથમવાર દિલ્હી બહાર વડાપ્રધાન મોદીના વતન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તેનું મુખ્ય કારણ દિલ્હીમાં ભયજનક રીતે વધી ગયેલ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા હોવાનું કહેવાય છે. દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી હદે વકરી રહી છે કે શાળા-કોલેજો બંધ કરવાની ફરજ પડી છે. આથી પ્રદૂષણ વધારાની ચર્ચા પ્રદૂષણયુક્ત વાતાવરણમાં કરવી ન પડે તે હેતુથી પ્રદૂષણમુક્ત ગ્રીનસિટી ગાંધીનગરની પસંદગી કરવામાં આવી હોવાની ચર્ચા છે.
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૭
પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ ઉપરાંત શહેરોમાં પરિવહન સરળ બને તથા શહેરી પરિવહનના આયોજનો માટે સત્તા મંડળોની ક્ષમતામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી આવતીકાલ ૮ નવેમ્બરથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી પરિવહન સંબંધિત ચાર દિવસની અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહયો છે .જેમાં દેશ વિદેશના ૧ હજારથી વધુ મેયરો અને મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિત રપ૦૦થી વધુ ડેલિગેટસ ભાગ લેશે. આ કોન્ફરન્સ અને એકિઝવિશનનું ઉદઘાટન ભારત સરકારના શહેરી વિકાસ, ગૃહનિર્માણ અને શહેરી ગરીબી નિર્મૂલન મંત્રાલયના મંત્રી એમ વૈકય્યા નાયડુના હસ્તે કરવામાં આવશે.ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુકત રીતે આયોજિત આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, શહેરી વિકાસ વિભાગના રાજય કક્ષાના મંત્રી શંકર ચૌધરી અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજય કક્ષાના મંત્રી વલ્લભ વઘાસિયા પણ હાજર રહેશે. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના શહેરી પરિવહન વિભાગના ડિરેકટર આર.કે. સિંઘે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અર્બન મોબિલીટી ઈન્ડિયા કોન્ફરન્સની વર્ષ ર૦૦૮માં શરૂઆત થઈ ત્યારથી પ્રથમ વખત તે દિલ્હીની બહાર યોજાઈ રહી છે. અગાઉથી બધી જ આઠ કોન્ફરન્સ શહેરી પરિવહન સંબંધિત વિવિધ વિષયો પર દિલ્હીમાં જ યોજાઈ હતી. અર્બન મોબિલીટી ઈન્ડિયાની આ નવમી આવૃતિની થીમ પ્લાનીંગ મોબિલીટી ફોર સિટીઝ સસ્ટેનિબિલીટી રાખવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર વિવિધ ચર્ચાઓમાં શહેરી બસ સેવામાં સુધારો, મેટ્રો સીસ્ટમ માટે ભંડોળ વ્યવસ્થા, લો કાર્બન ટ્રાન્સપોર્ટ માટે મોબિલીટી પ્લાનીંગ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના સ્માર્ટ સિટીઝ માટે પરિવહન, સ્માર્ટ અર્બન મોબિલીટી પ્લાનીંગ માર્ગ સલામતી વગેરે વિષયોનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજયોમાંથી ૧૦૦૦થી વધારે મેયરો અને કાઉન્સિલરો ભાગ લઈ રહયા છે. કોન્ફરન્સના પ્રારંભિક કાર્યક્રમમાં કોરિયા ટ્રાન્સપોર્ટ ઈન્સ્ટિટયુટના પ્રેસિડેન્ટ, ચાંગ વુ લી મુખ્ય વકતવ્ય આપશે.
આ કોન્ફરન્સની સાથેસાથે યોજાનારા એકિઝબિશનમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની ટેકનોલોજી પૂરી પાડતી રપથી વધુ દેશ અને વિદેશની કંપનીઓ તેમની ટેકનોલોજીનું નિદર્શન કરશે કે જેથી નીતિ ઘડનારાઓ અને રાજય તથા શહેરી સત્તામંડળોમાંથી હાજર રહેલા વહીવટી અધિકારીઓ તેને અમલમાં મુકી શકે. જાહેર પરિવહન અને મુખ્યત્વે વોકીંગ અને સાઈકલિંગ જેવી પ્રવૃતિઓ પ્રત્યે લોકોના રસમાં સમયાંતરે ઘટાડો થઈ રહયો છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે ઈંધણથી ચાલતા વાહનોની સંખ્યામાં થઈ રહેલા વધારાને કારણે પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી કોન્ફરન્સ દ્વારા શહેરી પરિવહન વ્યવસ્થાની અમલમાં મુકી શકાય તેવી હકારાત્મક બાબતોથી શહેરના લોકોને અવગત કરાવવામાં આવશે.
તા.૧૧મી નવેમ્બરે યોજનારા અંતિમ સમારંભમાં આયોજન પ્રભાવના (સ્વતંત્ર હવાલો) રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રી અને શહેરી વિકાસ તથા શહેરી ગરીબી નિર્મૂલન મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી રાવ ઈન્દ્રજીતસિંઘ અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.