નવી દિલ્હી,તા.૧૨
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી-૨૦માં વેસ્ટ ઈન્ડિઝનો ૩-૦થી વ્હાઇટ વોશ કરવાનો ફાયદો ટીમ ઈન્ડિયાને આઈસીસી રેન્કિંગમાં પણ થયો છે. વિન્ડિઝ સામે મળેલી ત્રણ જીતથી ભારત ટી૨૦ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતના કટ્ટર હરિફ પાકિસ્તાનનો પ્રથમ નંબર પર દબદબો જળવાઈ રહ્યો છે.
વિન્ડિઝ સામે જીત સાથે ટીમ ઈન્ડિયા ૧૨૬ પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગઈ છે. પાકિસ્તાન ૧૩૮ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ૧૧૮ અંક સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે. ભારત સામે ૩-૦થી હારનાર કેરેબિયન ટીમ ૧૦૩ પોઈન્ટ સાથે સાતમા નંબર પર ધકેલાઈ ગઈ છે.
૨૦૦૬ બાદ ભારત ૧૦૭ ટી-૨૦ મેચ રમ્યું છે. જેમાંથી ૬૮માં વિજય થયો છે. જ્યારે ૩૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની વિજય ટકાવારી ૬૫.૨૩ છે. જ્યારે નંબર વન ૧ ટી૨૦ ટીમ પાકિસ્તાનની વિજય ટકાવારી ૬૫.૧૦ છે.