ભારત-ચીને તેમના ‘સંબંધોને સાચા પાટે ચડાવવાની જરૂર’ : જિનપિંગે મોદીને કહ્યું

(એજન્સી) શ્યામન (ચીન), તા. ૫
વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ વાતે સંમત થયાં કે બન્ને દેશોના સંબંધો સુધારવા માટે ઘણું બધું કરવાનું બાકી છે. સરકારે કહ્યું કે ગત અઠવાડિયે પૂર્ણ થયેલા ડોકલામ વિવાદ બાદ બન્ને દેશોના નેતાઓ તેમની પહેલી દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યાં છે ત્યારે બન્ને દેશોના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાનો હતો, જે બન્ને દેશો વચ્ચેના ભાવી સંબંધો માટેની પૂર્વ જરૂરિયાત છે. ચીનના શ્યામનમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં મોદી-જિનપિંગ વચ્ચે ચાલેલી એક કલાકની બેઠક બાદ વિદેશ સચિવ એસ જયશંકરે આ માહિતી આપી હતી. ચીનમાંથી મ્યાનમાર રવાના થતાં પહેલા મોદીએ ટ્‌વીટ કરીને જણાવ્યું અમે દ્વિપક્ષિય સંબંધોના મુદ્દે ફળદાયી મંત્રણા કરી.
૧૦ મુદ્દાઓ
૧. ચીની મીડિયાની એક ખબર અનુસાર, રાષ્ટ્રપતિ જિનપિંગે પીએમ મોદીને કહ્યું હતું કે બન્ને દેશોના સંબંધોને સાચે પાટે ચડાવવાની જરૂર છે. બન્ને દેશોએ તંદુરસ્ત, સ્થિર દ્વિપક્ષિય સંબંધો આગળ ધપાવવા જોઈએ.
૨. બન્ને નેતાઓએ જૂનમાં કઝાકિસ્તાનના અસ્થાનમાં થયેલી દ્વિપક્ષિય બેઠકની સમજૂતી પર પુનઃનિર્ધાર વ્યક્ત કર્યો હતો કે મતભેદોે વિવાદો નહી બનવા દેવામાં આવે. જયશંકરે કહ્યું કે મોદી-જિનપિંગ સંમત થયાં કે આ બન્ને દેશોના હિતમાં છે.
૩. આ બેઠકમાં આતંકવાદના મુદ્દે સર્વોચ્ચ મુદ્દો ન હતો. બંને દેશોના સંબંધોને લઇને વાતચીત થઇ હતી. સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
૪. ભારત અને ચીને કબૂલાત કરી હતી કે, સંબંધોને વધુ સામાન્ય બનાવવા સરહદ ઉપર શાંતિ જરૂરી છે. ડોકલામ ઉપર કોઇ વાતચીત થઇ હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું હતું કે, આ બેઠક ભવિષ્યને ધ્યાનમાં લઇને યોજવામાં આવી હતી.
૫. વિદેશ સચિવે કહ્યું હતું કે, આ વાતચીત આશરે એક કલાક સુધી ચાલી હતી. આના પ્રથમ હિસ્સામાં બ્રિક્સ સાથે જોડાયેલા મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી. ગોવામાં બ્રિક્સ સમિટ દરમિયાન ચીને ખુબ જ મદદ કરી હતી. ભારતે પણ સંમેલનની સફળતા માટે સહકારની વાત કરી
૬. જયશંકરે કહ્યું હતું કે, વાતચીતના બીજા હિસ્સામાં સરહદી વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા, પારસ્પરિક વિશ્વાસ વધારવા, મતભેદોને સદ્‌ભાવથી દૂર કરવા, મતભેદોને વિવાદમાં ન ફેરવવા દેવાના મુદ્દા ઉપર ચર્ચા થઇ.
૭. આ પહેલા દ્વિપક્ષીય વાતચીત શરૂ થયા બાદ ચીની પ્રમુખે મોદીનું સ્વાગત કર્યું હતું. ચીની પ્રમુખે કહ્યું હતું કે, ચીન અને ભારત મુખ્ય પડોશી દેશ છે. સરહદ ઉપર શાંતિનો મુદ્દો મુખ્યરીતે છવાયેલો રહ્યો હતો
૮. મસુદ અઝહરના મુદ્દે કોઇ વાતચીત થઇ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વિદેશ સચિવે કહ્યું હતું , અલગ રીતે આ મુદ્દે વાતચીત થઇ ન હતી પરંતુ બ્રિક્સના ઘોષણાપત્રમાં આ સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, તમામ દેશ આતંકવાદના પડકારને લઇને એક સમાન કટિબદ્ધ છે.
૯. સોમવારે ભારતે એક મોટી સફળતા હાંસલ થઈ કે જ્યારે બ્રિક્સ રાષ્ટ્રોના જાહેરનામામાં પહેલી વાર પાક.સ્થિત લશ્કર એ તોયબા અને જૈશે મોહમદ જેવા આતંકવાદી સંગઠનોનોની આકરી નિંદા કરવામા આવી.
૧૦. બ્રિક્સ સંમલન બાદ વડાપ્રધાન મોદી મ્યાનમાર જવા રવાના થયાં હતા. મોદી મ્યાનમારના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મોદીની મુલાકાતમાં બેગાન અને યાગોન નામના ઐતિહાસિક શહેરોની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.
‘વૈશ્વિક પરિવર્તન’ માટે પીએમ મોદીએ બ્રિક્સ દેશો સમક્ષ ‘૧૦ ઉમદા પ્રતિબદ્ધતા’ વ્યક્ત કરી

(એજન્સી) શ્યામન (ચીન), તા. ૫
વડાપ્રધાન મોદીએ બ્રિક્સ દેશો સમક્ષ ૧૦ સૂત્રીય એજન્ડા જાહેર કર્યો. જેમાં મોદીએ આતંકવાદનો પ્રતિકાર કરવા માટે સંગઠિત અને સહયોગી કાર્યવાહીની જોરદાર હિમાયત કરી. તેમણે સૂચન કર્યું કે આ ૧૦ સૂત્રીય એજન્ડા દ્વારા બ્રિક્સ નેતાગીરી વૈશ્વિક પરિવર્તન સાધી શકે છે. મોદીએ નવા બ્રિક્સ સંમેલન દરમિયાન ડાયલોગ ઓફ ઈમેજિંગ માર્કેટ્‌સ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીસમાં સંબોધન વખતે કહ્યું કે ભારતના વિકાસનો આધાર સબકા સાથ, સબકા વિકાસની ધારણામાં નિહિત છે. તેમણે કહ્યું કે બ્રિક્સ નેતાગીરી માટે વૈશ્વિક પરિવર્તનની ભૂમિકા ભજવવી મહત્વપૂર્ણ છે અને તેને માટે ૧૦ ઉમદા સૂચનોનું પાલન કરવું જરૂરી છે.
મોદીના ૧૦ શુત્રીય એજન્ડા
૧. એક સુરક્ષિત દુનિયા – આતંકવાદ, સાયબર સુરક્ષા અને આપદા પ્રતિબંધ અને સમન્વયની સાથે કાર્યવાહી થવી જોઈએ.
ર. એક હરિત દુનિયા – જલવાયુ પરિવર્તન સાથે કામ પાર પાડવા માટે નક્કર પગલાં ભરવામાં આવે.
૩. એક સમર્થ દુનિયા – વિકાસ માટે ઉચિત ટેકનોલોજીની ભાગીદારી કરવામાં આવે.
૪. એક સમાવેશી દુનિયા – બેન્કીંગ અને નાણાંકીય પ્રણાલિ સહિત લોકોને મુખ્યધારા સાથે જોડવા.
પ. એક ડિજિટલ દુનિયા – બ્રિક્સની અંદર અને બહાર ડિજિટલ સ્તરના અંતરને ઓછું કરવા.
૬. એક કૌશલ્યસભર દુનિયા – લાખો યુવાનોને કૌશલ્યની તાલીમ આપીને.
૭. એક તંદુરસ્ત દુનિયા – સંશોધન અને વિકાસ ક્ષેત્રમાં તમામને આરોગ્યનો લાભ આપવો.
૮. એક સમાન દુનિયા – તમામને સમાન તક આપવા નીતિ સમાનતાને આધારે.
૯. એક જોડાયેલી દુનિયા – લોકોના અવરજવર સમાન અને સેવાઓના આદાન-પ્રદાન પર ભાર મૂકવામાં આવે.
૧૦. એક સમાવેશી દુનિયા – વિચારધારા-પ્રથાઓ અને વારસાને પ્રોત્સાહન આપવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks