(એજન્સી)
નવી દિલ્હી, તા. ૯
કોઇ પણ દેશમાં દેશભક્તિના અલગ-અલગ અર્થ હોઇ શકે નહીં. દરેક ધર્મ અને દરેક માન્યતાથી દેશ સર્વોપરી હોય છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં ઝીણાની તસવીરના મામલાએ જેવી રીતે વેગ પકડ્યો છે તેનાથી સમાનાંતર વિચારધારાની ઉણપનો અહેસાસ થાય છે. લોકતંત્ર પ્રત્યેક નાગરિકને માન્યતાથી માંડીને આઝાદીનું જીવન જીવવાની તક અને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર આપે છે પરંતુ તેનો જરાય પણ એવો અર્થ નથી કે આપણે પોતાના રાષ્ટ્રીય કર્તવ્યને નેવે મુકી દઇએ. ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીરનો મામલો હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે.
નવી દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના મેન ગેટ પર મંગળવારે સાંજે આશરે બે ડઝન દેખવાકારોએ નારેબાજી કરી. દેખાવકારોએ અહીં ‘ઝીણા પ્રેમી ભારત છોડો’ અને ‘વંદેમાતરમ’ના નારા લગાવ્યા. જોકે, થોડીક વાર સૂત્રોચ્ચારો કર્યા પછી દેખાવકારો પાછા જતા રહ્યા. નોંધનીય છે કે ભાજપના સાંસદના વાંધા બાદ આ મામલો બધાની સામે આવ્યો હતો. ત્યાર પછી આ બાબતે ભારે હોબાળો થયો. એએમયુના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઝીણાની તસવીર હટાવવાનો ઇનકાર કરી દીધો હતો, જોકે થાડાક સમય માટે તસવીર હટાવી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સતત એએમયુની બહાર આ બાબતે દેખાવો પણ કર્યા હતા. દરમિયાન, પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ મુદ્દા અંગે વિદ્યાર્થીઓએ કહ્યું છે કે ઝીણા ભારતીય ઇતિહાસનો હિસ્સો છે, તેથી તેઓ તેમની તસવીર હટાવશે નહીં. તનાવને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં થોડાક દિવસ માટે ઇન્ટરનેટની સેવા પણ અટકાવી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સંગઠને એવો આરોપ પણ મુક્યો હતો કે હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને કેસ નોંધ્યા વગર તેમને છોડી દેવામાં આવ્યા હતા. તેનાથી નારાજ થયેલા વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદાર પોલીસ સ્ટેશને ગયા હતા અને વિરોધ કર્યો હતો. એવો આરોપ મુકાયો હતો કે વિદ્યાર્થીઓએ શહેરના એસપી સાથે ધક્કામુક્કી કરી હતી. ત્યાર પછી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને તેમાં આશરે ૧૫ વિદ્યાર્થી ઘવાયા હતા. ખરેખર, ભાજપના સાંસદ સતીશ ગૌતમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સમક્ષ વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી ઝીણાની તસવીર હટાવવાની માગણી કરી હતી. ત્યાર પછી આ મામલા પર રાજકારણ શરુ થયું હતું. ત્યાર બાદ બુધવારે હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ ઝીણાની તસવીર હટાવવાની માગણી કરીને એએમયુની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિન્દુ વાહિનીના કાર્યકરો સામે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના કાર્યક્રમમાં દખલ કરવાની કોશિશનો પણ આરોપ મુકાયો હતો. એ પછી ૬ કાર્યકરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.