ભારત-જાપાનના પીએમ મોદી-શિન્જો વચ્ચે મહત્ત્વપૂર્ણ મંત્રણા : ૧પ MOU સાઈન

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
વડાપ્રધાન નરેેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્ઝો અબેએ આજે ખુબ જ મહત્વપૂર્ણ અને સફળ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. બંને નેતાઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આતંકવાદનો પણ સમાવેશ થાય છે. બંને વચ્ચે ચર્ચા કરવામાં આવ્યા બાદ સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. મોદી અને અબેની ઉપસ્થિતિમાં ૧૫ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અને મોદીની ઉપસ્થિતિમાં આ તમામ સમજૂતિ કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ જોઇન્ટ એક્સચેંજ પ્રોગ્રામ શરૂ કરવા, જાપાનના એઆઈએસટી અને ભારતના ડીબીટી વચ્ચે જોઇન્ટ રિસર્ચ કોન્ટ્રાક્ટ શરૂ કરવા, ડીબીટી અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી વચ્ચે એમઓયુ, રિસર્ચ સાથે સંબંધિત મામલાઓમાં સમજૂતિ કરવામાં આવી હતી.
મોદીએ એમ પણ કહ્યું હતું કે, પારસ્પપરિક વિશ્વાસ અને આત્મવિશ્વાસ તથા એકબીજા ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવાની બાબત મહત્વપૂર્ણ છે. બંને દેશો પારસ્પરિકરીતે પોતાના હિત ધરાવે છે. અમારા સ્પેશિયલ વ્યૂહાત્મક અને દ્વિપક્ષીય સંબંધો એક દ્વિપક્ષીય સંબંધો સુધી મર્યાદિત રહ્યા નથી. મોદીએ કહ્યું હતું કે, ભારતમાં જાપાન તરફથી ૪.૧ અબજ ડોલરનું રોકાણ થયેલું છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારત સંપૂર્ણપણે ટ્રાન્સફોર્મ થઇ રહ્યુ છે. જાપાનની અનેક કંપનીઓ ભારતમાં ફ્લેગશીપ કાર્યક્રમ સાથે જોડાઈ છે. જાપાની કંપનીઓને મોટાપાયે રોકાણ કરવા મોદીએ અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હવે આપણે ભારતીય અને જાપાનીઝ પોસ્ટ વિભાગના સહયોગથી એક “કૂલ બોક્સ સર્વિસ” પણ શરૂ કરી રહ્યા છીએ. જેના દ્વારા ભારતમાં વસવાટ કરતા જાપાનીઝ લોકો સીધા જાપાનથી પોતાનું પસંદગીનું ભોજન મંગાવી શકશે. સાથે સાથે તેમણે બિઝનેસ સમુદાયને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં વધુને વધુ જાપાની રેસ્ટોરેન્ટ શરૂ કરશે. જાપાનના વડાપ્રધાન અબેએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત-જાપાનના મજબૂત સંબંધોના મહત્ત્વો ઉજાગર કરી જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેનો મજબૂત સંબંધ સેતુ ઈન્ડિયા-પેસિફિક વિસ્તારમાં જ નહીં, પૂરા વિશ્વમાં મહત્ત્વરૂપ સાબિત થશે. તેમણે ઉત્તર કોરિયાના પ્રશ્ને બંને દેશોના સ્પષ્ટ અભિપ્રાયની નોંધ લઈ જણાવ્યું હતું કે આપણે તેમને નીતિ બદલવા મજબૂર કરીશું.
જાપાન દેશ ઈન્ડિયા-પેસિફિક મહાસાગર વિસ્તારમાં શાંતિ માટે મજબૂત પ્રયાસો કરાશે. તેમણે એશિયા-પેસિફિક અને આફ્રિકન ક્ષેત્રની કનેક્ટિવિટી ઉપર પણ ભાર મૂક્યો હતો. અબેએ “નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ”ના વિકાસ માટે યોગદાન આપશે એમ પણ જણાવ્યું હતું.
આવનારા વર્ષ ર૦ર૦માં યોજાનાર ટોકિયો ઓલિમ્પિક માટે પર્યટનને પણ મહત્ત્વનું ગણાવી ભારત દેશને જોડવા અનુરોધ કર્યો હતો. ભારતીયો જાપાનીઝ ભાષા શીખે તે માટેના પ્રયાસો ઉપર ભાર મૂકી ૧૦૦થી વધુ શિક્ષણ કેન્દ્રો શરૂ કરવા અને ૧૦૦૦ શિક્ષકો તૈયાર કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
મોડેથી વિદેશ સચિવ એસ જયશંકરે ભારત અને જાપાન વચ્ચે થયેલી સમજૂતિ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે ઇચ્છુક છે. તેમના કહેવા મુજબ હજુ સુધી બંને દેશોનું ધ્યાન દરિયાઇ સુરક્ષાના મોરચા ઉપર હતું.
હવે બંને દેશો આર્મી અને હવાઈ દળ વચ્ચે સહકાર ઉપર પણ આગળ વધી રહી છે. બંને દેશો વચ્ચે ૧૫ સમજૂતિ કરવામાં આવી છે જે પૈકી ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટના ક્ષેત્રમાં ભારત સરકાર અને જાપાન વચ્ચે સમજૂતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્કીલ ડેવલપમેન્ટ, કનેક્ટીવીટી, ઇકોનોમીક અને કોમર્શિયલ, ઇન્વેસ્ટમેન્ટ, સિવિલ એવિએશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, રમતગમત, એકેડમિક ક્ષેત્રમાં થયેલી સમજૂતિનો સમાવેશ થાય છે. આ તમામ સમજૂતિ કરાર પાંચ લાખ કરોડની આસપાસના હોવાનો જાણવા મળી રહ્યું છે. જો કે, આંકડો હજુ સુધી જાણી શકાયો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks