(એજન્સી) તા.૧૭
વિદેશી ભારતીયોનું એક પ્રતિનિધિ મંડળ સેલ એન્ડ આલ્ટ્રીન ચેમના કોન્ઝર્વેટિવ પાર્ટીના બ્રિટિશ સાંસદસભ્ય ગ્રાહમ બ્રેડીને મળ્યું હતું અને હિંદુ રાષ્ટ્રવાદી શાસક ભાજપ અને તેના વૈચારીક જમણેરી સાથીઓના ઇશારે ગૌરક્ષાના નામે લઘુમતીઓ તેમજ દલિત હિંદુઓ પર આચરવામાં આવતા અત્યાચારો અંગે તેમને વાકેફ કર્યા હતા.
વિદેશી ભારતીયોના પ્રતિનિધિઓએ બ્રિટિશ સાંસદને ગાયોની તસ્કરી અને બીફ સેવનની અફવા પર હત્યા કરવામાં આવેલા લોકોની એક યાદી સુપરત કરી હતી. સાંસદ બ્રેડીએ એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે વિદેશોમાં ગૌમાંસની સૌથી વધુ નિકાસ કરતા દેશ ભારતે પોતાના જ પ્રદેશમાં ગૌમાંસના સેવન પર નિયંત્રણો લાદ્યા છે.
બ્રિટિશ સાંસદને જણાવાયું હતું કે નફરતનો માહોલ ઇરાદાપૂર્વક ઊભો કરવામાં આવી રહ્યો છે અને રોજબરોજ એક યા બીજા બહાના હેઠળ શેરીઓમાં અને ટ્રેનોમાં મુસ્લિમો ટોળાની હિંસાનો ભોગ બને છે. પ્રતિનિધિ મંડળે આવા હુમલાઓ રોકવા માટે રાજ્ય સત્તાવાળાઓ દ્વારા કોઇ પર્યાપ્ત કાર્યવાહી નહીં કરવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને શાસક પક્ષ સાથેની નિકટતાને કારણે અપરાધીઓ સામે કાર્યવાહી કરવા માટે વહીવટી અને રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ જણાય છે.
બ્રેડીને એવંુ પણ જણાવાયું હતું કે આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનો ભારતમાં લઘુમતીઓ સામે નરસંહાર એજન્ડાને અનુસરી રહ્યા છે અને એક યા બીજા બહાને યુકેમાંથી મોટા પાયે નાણાં ભંડોળ એકત્ર કરે છે. જો આ સંગઠનોને છૂટોદોર મળી જશે અને તેમને સમયસર રોકવામાં નહીં આવે તો બે કરોડ કરતા વધુ લોકોના નરસંહાર અને વિસ્થાપનની સ્થિતિ ઊભી થશે જે સીરિયા કરતા પણ વધુ આફતજનક પુરવાર થશે. સાંસદ બ્રેડીએ પ્રતિનિધિ મંડળને આ મામલામાં અગ્રીમતાના ધોરણે તપાસ કરવા અને ગૃહમંત્રાલય તેમ જ વિદેશ મંત્રાલય દ્વારા યોગ્ય સ્તરે આ મુદ્દો ઉઠાવવા ખાતરી આપી હતી.