(એજન્સી) નવી દિલ્હી તા. ૧૬
દેશમાં મોંઘવારીનો માર ઝીલી રહેલી દેશની પ્રજાને હાલ કોઇ રાહત મળતી દેખાઇ રહી નથી. રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારીના દરો પણ વધીને સાડા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુપીઆઇ) પર આધારિત મોંઘવારી દર વધીને ૫.૭૭ ટકા થઇ ગયો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. આ દરો મે ૨૦૧૮માં ૪.૪૩ ટકા હતા. વાણિજ્ય મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર જૂન ૨૦૧૭માં આ દરો ૦.૯૦ ટકા હતા. સરકારી આંકડાઓ અનુસાર ખાદ્ય વસ્તુઓના વર્ગમાં ફુગાવો જૂન ૨૦૧૮માં ૧.૮૦ ટકા રહ્યો હતો જે મેમાં ૧.૬૦ ટકા હતો. શાકભાજીના ભાવો વાર્ષિક આધારે ૮.૧૨ ટકા ઊંચા રહ્યા. મે માસમાં શાકભાજીની કિંમતો ૨.૫૧ ટકા વધી હતી. વીજળી અને ઇંધણ ક્ષેત્રનો ફુગાવાનો દર જૂનમાં વધીને ૧૬.૧૮ ટકા થઇ ગયો હતો જે મે માસમાં ૧૧.૨૨ ટકા હતો. જેનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં થયેલા વધારાને ગણાવાયું છે. દરમિયાન બટાકાની કિંમતો એક વર્ષની સરખામણીમાં ૯૯.૦૨ ટકા ઊંચા ચાલી રહ્યા છે. મે માસમાં બટાકામાં ફુગાવો ૮૧.૯૩ ટકા હતો. આજ રીતે ડુંગરીનો મોંઘવારી દર જૂનમાં ૧૮.૨૫ ટકા રહ્યો છે જે આના પાછલા મહિને ૧૩.૨૦ ટકા હતો. ગ્રાહકોને દાળોની કિંમતોમાં થોડી રાહત મળી છે. દાળોમાં ભાવો ઘટવાનું ચાલુ રહ્યું છે. જૂનમાં દાળોના ભાવ વાર્ષિક આધારે ૨૦.૨૩ ટકા ઘટ્યા હતા. સરકારે એપ્રિલના જથ્થાબંધ ભાવ ફુગાવાને સંશોધિત કરીને ૩.૬૨ ટકા કરી દીધો છે. પ્રારંભિક આંકડાઓમાં તેનો ૩.૧૮ ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા અંદાજ મુજબ મોંઘવારી વધી છે. બેંકે પોતાના હાલના અંદાજમાં ઓક્ટોબર-માર્ચ છ માસિકમાં રિટેલ મોંઘવારી દર ૪.૭ રહેવાનો અંદાજ બાંધ્યો હતો. આ પહેલાં પૂર્વ અનુમાન ૪.૪ ટકા હતો. મૌદ્રિક નીતિ સમીક્ષાની પાછલી બેઠકમાં રિઝર્વ બેંકે નીતિગત વ્યાજદરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રીય બેંકે ચાર વર્ષ બાદ નીતિગત દરોમાં વધારો કર્યો છે. મૌદ્રિક નીતિ આગામી ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ૩૦ જુલાઇથી પહેલી ઓગસ્ટ વચ્ચે થશે.
ઉલ્લેખનીય છે કે, પાછલા સપ્તાહે રિટેલ મોંઘવારીના આંકડા જારી થયા હતા. સરકાર દ્વારા બહાર પડાયેલા આંકડાઓ અનુસાર રિટેલ મોંઘવારી દર જૂનના મહિનામાં વધીને પાંચ ટકા થઇ ગયો હતો. મે માસમાં આ આંકડો ૪.૮૭ ટકા હતો. વપરાશકાર સૂચકાંક આધારિત રિટેલ ફુગાવો જૂનમાં પાંચ ટકા રહ્યો હતો જે પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે હતો. ઉલ્લેખનીય છે કે, દેશની મૌદ્રિક નીતિને નક્કી કરવામાં ભારતીય રિઝર્વ બેંક ખાસ કરીને રિટેલ મોંઘવારીના આંકડાઓનો ઉપયોગ કરે છે. ૧૨મી જુલાઇના રોજ સેન્ટ્રલ સ્ટેટેટિકલ ઓફિસ (સીએસઓ) દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર પાછલા વર્ષે જૂનમાં વપરાશકાર મૂલ્ય સૂચકાંક (સીપીઆઇ) પર આધારિત ફુગાવાનો સરેરાશ વાર્ષિક દર ૧.૪૬ ટકા હતો. જૂનમાં ગ્રાહક ખાદ્ય મૂલ્ય સૂચકાંક (સીએફપીઆઇ) ૨.૯૧ ટકા રહ્યો હતો. જો કે, આ પાછલા મહિનાની સરખામણીએ ઓછો રહ્યો હતો. જૂનમાં શાકભાજીના ફુગાવા દર ઘટીને ૭.૮ ટકા રહ્યા હતા જ્યારે તે મે માસમાં ૮.૦૪ ટકા હતા. ઇંધણ અને વીજળીના સીપીઆઇ દરો જૂનમાં ૭.૧૪ ટકા રહ્યા જ્યારે તે મે માસમાં ૫.૮ ટકા હતા. પાછલા મહિને મોંઘવારી વધવામાં કાચા તેલની વૈશ્વિક કિંમતોનુંં પણ યોગદાન રહ્યું હતું જે ૭૫ ડોલર પ્રતિબેરલથી ઊંચા દરે રહ્યા હતા. દેશનું ઔદ્યોગિક ઉત્પાદન મે માસમાં પાછલા વર્ષના આ જ મહિનાની સરખામણીએ વધીને ૩.૨ ટકા રહ્યો હતો જ્યારે એપ્રિલની સરખામણીએ તેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪.૯ ટકા હતો. સીએસઓએ ગુરૂવારે ઔદ્યોગિક ઉત્પાદન (આઇઆઇપી)ના વાર્ષિક આંકડા જારી કર્યા હતા.
ઊંચો ફુગાવો ભારતીય બજાર માટે જોખમી પરિબળ : મોર્ગન સ્ટેન્લી
ક્રૂડ ઓઇલના ઉછાળા પાછળ સાડા ચાર વર્ષની ટોચે પહોંચેલો જથ્થાબંધ મોંઘવારી ભારત સરકાર અને શેરબજાર માટે જોખમી પરિબળ બની રહ્યું છે. એક બાજું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ મોંઘવારી ફરી માથું ઉંચકી રહી છે. મોંઘવારીની ચિંતાએ રિઝર્વ બેન્ક ઉપર વ્યાજદર વધારવાનું દબાણ વધી રહ્યું છે આ ચિંતા અગ્રણી ગ્લોબલ ફર્મ અને રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેન્લીએ વ્યક્ત કરી છે. જૂન માસનો હોલસેલ ફુગાવો વધીને ૫.૭૭ ટકા નોંધાયો છે. જે ગત મે માસમાં ૪.૪૩ ટકા હતો. એક્સપર્ટનું માનવું છે કે, આગામી ધિરાણનીતિમાં રિઝર્વ બેન્ક વ્યાજદર વધારી શકે છે. છેલ્લે જૂનની મોનેટરિંગ પોલિસીમાં રેટ-હાઇક કરતી વખતે આ વાતનો સંકેત આપ્યો જ હતો. અમે માનીયે છીએ કે, બજારની અપેક્ષા વધારે પડતી છે પરંતુ હકિકતમાં કોર ઇન્ફ્લેશન સતત સ્થિર ગતિએ આગળ વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આગળ વધી શકે છે. ક્રૂડ ઓઇલમાં ઉછાળો, સરકાર દ્વારા કૃષિ પેદાશોના ટેકાના ભાવમાં વધારો, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને વરસાદની ઘટ જેવા પરિબળોની ઉંડી અસરના લીધે હોલસેલ ફુગાવા વધ્યો છે. આ સાથે ગ્લોબલ બ્રોકરેજ એજન્સીએ જૂન ૨૦૧૯ સુધીમાં સેન્સેક્સ માટે બુલિશ વ્યૂમાં ૪૪,૦૦૦નો ટાર્ગેટ મૂક્યો છે જ્યારે બેરિશ વ્યૂમાં ૩૬,૦૦૦નું ટાર્ગેટ લેવલ જાળવી રાખ્યું છે.
જથ્થાબંધ ફુગાવો વધતાં સેન્સેક્સ ૨૧૮ અંક ગબડ્યો
મુંબઈ,તા.૧૬
જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૫.૭૭ ટકાના સાડા ચાર વર્ષની ટોચે જતા સોમવારે માર્કેટમાં વેચવાલી આવતા ઘટાડો આવ્યો હતો. ચીનના નબળા આંકડાના પગલે બજાર સપાટ ખુલ્યા પછી ચડાવ-ઉતાર રહ્યો હતો અને અંતે ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ ૨૧૮ અંક ગબડીને ૩૬,૩૨૩.૭૭ પર બંધ રહ્યો છે. નિફ્ટી ૮૨ અંક ઘટીને ૧૦,૯૩૬ પર બંધ આવ્યો છે. માર્કેટમાં આઇટી સિવાય તમામ સેક્ટરમાં મોટો ઘટાડો આવ્યો હતો. મેટલ, રીયલ્ટી અને ફાર્મા ૪.૧૨ ટકાથી ૩.૩૨ ટકા તૂટ્યા હતા. એનએસઇમાં આઇટી સિવાયના સેક્ટર્સ મોટા પાયે ઘટ્યા છે. તેમાં સૌથી મોટો ૪.૧૨ ટકાનો ઘટાડો ફાર્મા ઇન્ડેક્સમાં આવ્યો હતો. તે પછી મેટલ ૩.૬૧ ટકા, રીયલ્ટી ૩.૩૨ ટકા, મીડિયા ૨.૪૫ ટકા, ઓટો ૧.૫૩ ટકા, એનર્જી ૧.૪૩ ટકા, ઇન્ફ્રા ૧.૩૭ ટકા ઘટ્યા હતા. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૨.૫૨ ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ ૦.૮૭ ટકા ઘટતા બેન્ક નિફ્ટી ૦.૯૫ ટકા ઘટીને ૨૬,૬૮૦ પર બંધ રહ્યો છે. જ્યારે આઇટી ઇન્ડેક્સ ૦.૫૭ ટકા વધ્યો છે.
મોંઘવારીની અર્થવ્યવસ્થા પર થનારી અસર
અર્થવ્યવસ્થા પર બે રીતે મોંઘવારીની અસર થઈ રહી છે. મોંઘવારી દર વધવાથી બજારમાં વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. મોંઘવારી દર ઘટશે તો ખરીદવાની ક્ષમતા પણ વધી જશે અને તેના કારણે બજારમાં કેશ વધારે આવશે. મોંઘવારી વધવા અને ઘટવાની અસર સરકારી નીતિ ઉપર પણ જોવા મળતી હોય છે. રિઝર્વ બેંક વ્યાજદરની સમીક્ષામાં રિટેલ મોંઘવારીને ધ્યાનમાં રાખે છે. જો કે, જથ્થાબંધ મોંઘવારી પણ સામાન્ય જનતાના સંઘર્ષમાં વધારો કરનાર મોટું પરિબળ છે.