(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સેનાના નિવૃત્ત સેનાધ્યક્ષ દીપક કપૂરે વડાપ્રધાન મોદીના જુઠ્ઠાણાંઓને ખુલ્લા પાડ્યા છે. જે જુઠ્ઠાણાંઓ મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કહી રહ્યા છે. મોદીએ એક ચૂંટણી સભામાં ગંભીરતાથી આક્ષેપો મૂકયા હતા કે પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીઓમાં દખલગીરી કરી રહ્યું છે. આ મીટિંગ બરતરફ કરેલા નેતા મણિશંકર ઐયરના ઘરે યોજાઈ હતી. આ મીટિંગમાં જે લોકોની હાજરી હતી એમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂર અને પૂર્વ પાક. વિદેશ મંત્રી ખુરશીદ મહમૂદ કસૂરી પણ હાજર હતા. એ ઉપરાંત પૂર્વ વિદેશમંત્રી કે.નટવરસિંગ અને પૂર્વ એલચી સલમાન હૈદર, ટીસીએ રાઘવન, શરત સભરવાલ, કે.શંકટ વાજપેયી અને ચિન્જાયા ઘરેખાન પણ હાજર હતા. જનરલ કપૂરે ખુલાસો કરી જણાવ્યું કે આ મીટિંગમાં હું પણ હાજર હતો. અમોએ મીટિંગમાં ભારત-પાક. વચ્ચેના સંબંધો બાબતે ચર્ચા કરી હતી. એ સિવાય કોઈ ચર્ચા કરી ન હતી. કપૂર માર્ચ ર૦૧૦માં નિવૃત્ત થયા હતા. ઐયરના અન્ય એક મિત્રએ જણાવ્યું કે કસૂરી અને ઐયર વચ્ચે ઘણા લાંબા સમયથી મિત્રતા છે અને ભૂતકાળમાં ઘણી વખત મળી ચૂકયા છે. મોદી ગુજરાતને સાચવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે અને હાલમાં થોડા નર્વસ દેખાય છે. ગુજરાતમાં એ ૧ર વર્ષ સુધી મુખ્યમંત્રી હતા.