(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
જમ્મુ-કાશ્મીર અને તેના નાગરિકોને સ્પેશિયલ દરજ્જો આપનારી જોગવાઈઓને સમાપ્ત કરવા અંગેની અટકળો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ ૩૭૦ અને રાજ્યના કાયમી નાગરિકોની એેળખ આપનારા આર્ટિકલ ૩૫-એ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જ્યાં સુધી સરકારનો સવાલ છે તો બંને મુદ્દા ભાજપા પરંપરાગત એજન્ડાની નજીક છે. આર્ટિકલ ૩૫-એ પર તો સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી દીધી છે કે, આ મુદ્દે વ્યાપક ચર્ચાની જરૂર છે. વડાપ્રધાન સાથે મુલાકાત બાદ મુફ્તિએ જણાવ્યંુ હતું કે, આઇડિયા ઓફ ઇન્ડિયાનો અર્થ આઇડિયા ઓફ જમ્મુ-કાશ્મીરને સ્વીકાર કરવો થાય. અમારા ગઠબંધનનો એજન્ડા આર્ટિકલ ૩૭૦ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો છે અને કોઇ તેની વિરૂદ્ધ ન જઇ શકે. તેમણે જણાવ્યંુ હતું કે, આર્ટિકલ ૩૫-એ પર ચાલી રહેલી ચર્ચાનો જમ્મુ-કાશ્મીર પર નકારાત્મક અસર પડી શકે છે અને તેમ ન થવું જોઇએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગઠબંધનના એજન્ડાને લઇ તેમને આશ્વાસન આપ્યું છે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે પરંતુ લોકો એવું વિચારી રહ્યા છે કે, તેમની ઓળક ખતરામાં જઇ શકે છે. જમ્મુ-કાશ્મીર ભારતનો તાજ છે અને આ વિચારણા પર મક્કમ રહેવું જોઇએ.
આર્ટિકલ ૩૫-એ પર વ્યાપક ચર્ચાના મુદ્દાના કેન્દ્ર સરકારના વલણે કાશ્મીરના નેતાઓમાં ખળખભળાટ ઉભો કર્યો છે. આર્ટિકલને સમાપ્ત કરવાની અટકળો પર પહેલા મહેબૂબા મુફ્તિ એકવાર આક્રોશમાં આવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે છેડછાડ કરવામાં આવશે તો ખીણમાં કોઇ તિરંગો ઉઠાવનારો નહીં રહે. ઉલ્લેખનીય છે કે, મુફ્તિ ગુરૂવારે જ રાજધાની પહોંચી ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાતચીત કરી હતી. મહેબૂબા મુફ્તિ આ જોગવાઇને સમાપ્ત કરવા વિરૂદ્ધ એકમત બનાવવાના પ્રયાસમાં છે. તેમણે આ મુદ્દે રાજ્યમાં વિપક્ષ નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાહનું પણ એક અઠવાડિયા પહેલા સમર્થન માગ્યું હતું. બાજી તરફ અબ્દુલ્લાહે જ તેમને સલાહ આપી હતી કે, તેઓ આ મામલે વડાપ્રધાન અને તમામ મહત્વપૂર્ણ કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપના ટોચના નેતાઓને મળે જેથી સંઘ પરિવારની આ જોગવાઇ સામે વિરોધ ઉભો કરી શકાય.
જોગવાઇ અલગતાવાદી વિચારધારાને જન્માવે છે : ભાજપ
ભાજપના જમ્મુ-કાશ્મીરના નેતાઓએ આર્ટિકલ ૩૭૦નો વિરોધ કર્યો હતો. ભાજપના પ્રવક્તા વિરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે, આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એને વિદાય આપી દેવી જોઇએ. આના કારણે અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન મળી રહ્યું છે. બંને આર્ટિકલોને કારણે રાજ્યને ફાયદો પહોંચવાને બદલે નુકસાન પહોેચી રહ્યું છે અને વિકાસ રૂંધાઇ રહ્યું છે.